Comments

સંઘ-ભાજપના અંતરમાં એક નજર

કન્નડ સાહિત્ય જગતમાં દેવનૂર મહાદેવે સૌ પ્રથમ નવલિકાઓ અને મૌલિકતા અને શકિતના પ્રતીકરૂપ લઘુનવલ ‘કુસુમ બાલે’ દ્વારા નામના કાઢી હતી અને ત્યારથી તેમને પોતાની રાજકીય માન્યતા અને નૈતિક હિંમત બદલ માન મળે છે કારણકે તેમણે રાજયના આશયની લાલચથી દૂર રહી વંચિતો અને દલિતો સાથે પોતાની જાતને આત્મસાત્‌ કરી, આંતરધર્મી સંવાદિતાના તેઓ ઉત્કટ હિમાયતી છે અને બહુસમાજવાદ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા તાજેતરમાં માયસુરુનાં બજારમાં જોવા મળી. હિંદુત્વના એક દુરાગ્રહીના ઠગો, દ્વારા જે ઉત્પાદન પર પ્રતિબંધ મૂકાયો તે હલાલ માંસ ખરીદવા તેઓ નીકળ્યા.

આ વર્ષના જુલાઇમાં મહાદેવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેનાં પોતાનાં મંતવ્યો ધરાવતું એક પુસ્તક પ્રગટ કર્યું અને વેબસાઇટ ‘ધ ન્યૂઝ મિનિટમાં’ હેવાલ હતો કે રાજયના જમણેરીઓએ આ પુસ્તક સામે કાગારોળ મચાવી રાખી છે. શાસક પક્ષના સભ્યો અને રાજકીય બૌધ્ધિકો વગેરેએ લેખકને પેટ ભરીને ભાંડયા છે. પણ પુસ્તકની હજારો નકલો ચપોચપ ઉપડી ગઇ અને રાજયભરમાં ફેલાઇ ગઇ છે અને ચર્ચાનો વિષય બની ગયું છે. પુસ્તકની શરૂઆતમાં ગોલવલકર અને સાવરકરનાં અવતરણો છે. ગોલવલકર જ્ઞાતિપ્રથાને તે શાસ્ત્રોની આજ્ઞા મુજબની હોવાનું જણાવી વાજબી ઠેરવે છે. સાવરકર મનુસ્મૃતિની પૂજા કરવાનું કહે છે. ભલે તેણે જ્ઞાતિ પ્રથાને અને નીતિ અસમાનતાને મંજૂર રાખી પણ તે ભારતના બંધારણને મંજૂર નથી.

સાવરકર કહે છે કે આપણા હિંદુ રાષ્ટ્ર માટે મનુસ્મૃતિ વેદો પછીના પૂજનીયતાના ક્રમે આવે છે. તે પ્રાચીનકાળથી આપણી સંસ્કૃતિ, રિવાજ અને આચાર-વિચારનો આધાર બન્યું છે. આજે પણ કરોડો હિંદુઓ મનુસ્મૃતિને અનુસરે છે, તે હિંદુ કાયદો છે. તે મૂળભૂત છે. ગોલવલકરે દેશમાં રાજયોની પ્રથાને ઝેરી ગણાવી છે અને એક દેશ, એક રાજય અને એક ધારા ગૃહ તથા એક સરકારની ભલામણ કરી છે. દેવનૂર મહાદેવે સંઘના વિચારોની કચાશ પ્રત્યે આપણું ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે સંઘના સભ્યો માટે ‘ગીતા’ જેવું સ્થાન ધરાવતા ગોલવલકરના પુસ્તક ‘બંચ ઓફ થોટસ્‌’ માં વિચાર – ચિંતન જેવું કંઇ જ નથી. તે જરીપુરાણી માન્યતાઓની રજૂઆત કરે છે. સંઘની વિચારધારા એટલી સંકુચિત છે કે બુધ્ધિવાન બ્રાહ્મણ પણ તે સ્વીકારી ન શકે.

ભારતના બંધારણનો બચાવ કરતાં મહદેવ કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષ બંધારણ માટે ભલે ગમે તેટલી મોંની લાપસી પીરસે, પણ બહુલ સમાજ, જ્ઞાતિ અને જાતીય સમાનતા તેમજ વાણી સ્વાતંત્ર્ય અને સમવાયતાના મામલે બંધારણથી વિરુધ્ધ છે. તેમણે બંધારણને જફા પહોંચાડી વિજય મેળવતા હોવાનું લાગે છે. બંધારણનો નાશ કરવા સંઘ અને તેની સહયોગી સંસ્થાઓ અકથ્ય કૃત્યો કરે છે અને નહીં રમવા જેવી રમત રમે છે. રાજયો અને કેન્દ્રને બાંધી રાખતા અને બંધારણના મુખ્ય સૂત્ર સમાન સમવાય તંત્ર સામે તેઓ જંગે ચડયા છે. ૨૦૧૪ થી સમવાય તંત્રનો નાશ કરતા રહીને ભારતીય જનતા પક્ષ ગોલવલકરને તેની ગુરુ દક્ષિણા આપે છે.

મહાદેવ કહે છે કે સોશ્યલ મીડિયામાં સમાચાર ખોટાં અને વિકૃત રીતે રજૂ થાય છે. જુઠાણું તેમની કુળદેવી છે!
તેમણે પોતાનાં પુસ્તકોમાં એવાં અનેક દ્વેષીલાં જુઠાણાં પાઠયપુસ્તકોમાં મૂકાયાં હોવાના દાખલા ટાંકયા છે. સંઘ અને ભારતીય જનતા પક્ષે લોકશાહીની અવનતિમાં ફાળો આપ્યો છે. આજે ભારતના રાજકીય પક્ષો કેવા છે? (૧) એક વ્યકિતની આગેવાની (૨) પરિવારની આગેવાની (૩) બંધારણનો વિરોધ. મહાદેવ કહે છે: સંઘના આજીવન પ્રચારક મોદીએ સત્તા પર આવતાં વચન આપ્યાં હતાં કે કાળાં નાણાં પાછાં આવશે, ખેડૂતોની આવક બમણી થશે અને લાખો રોજગારી પેદા થશે, તેને બદલે આર્થિક અને સંપત્તિની અસમતુલા ચોંકાવનારી હદે વધ્યાં છે. મોદીના વડા પ્રધાનપદનો મુખ્ય લાભ તેમના જ રાજયના અદાણી અને અંબાણીને મળ્યો છે. તાજેતરમાં સંઘના એક સાલસ સરસંઘસંચાલકના આમંત્રણથી દોરવાઇ નવી દિલ્હીમાં ભદ્ર વર્ગના મુસ્લિમોએ આવતાં વિચાર્યું કે સંઘ બદલાઇ રહ્યો છે. તેમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

દરેક વિચારશીલ ભારતીયે પણ આ પુસ્તક વાંચવું જોઇએ એવી ભલામણ છે. તેમણે હિંદુત્વની વિચારધારાનો ઊંડો અભ્યાસ કર્યો છે અને સંઘની કામગીરીના કર્ણાટકમાં સાક્ષી બન્યા છે. સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે અમલદારશાહીમાં, ન્યાયતંત્રમાં અને પોલીસ દળમાં કર્ણાટક રાજયમાં કેવી ઘૂસ મારી છે અને ધાર્મિક સ્થળોએ શેરીઓમાં જઇ કેવા વિવાદ સજર્યા છે તે તેમણે જોયું છે અને કહ્યું છે કે સંઘ કર્ણાટકમાં જીતે તો રાજયમાં બહુલતાવાદી સમાજ કે સમૃદ્ધ સાહિત્યિક અને બૌદ્ધિક સુસંસ્કૃતિમાં અને વિવેકવાદી વિચારસરણી અને જાહેર જીવનની શાલીનતાનો અંત આવશે. સંઘ અને ભારતીય જનતા પક્ષના વિરોધીઓને એક સમાન મંચ પર આવી પ્રજાસત્તાકને જમણેરી ઝનૂનીઓના હાથમાંથી ઉગારી લેવાની તેમણે વિનંતી કરી પ્રગતિલક્ષી જૂથોને મતભેદ અને પોતાનો અહમ્‌ ભૂલી જવાની તેમણે વિનંતી કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top