Dakshin Gujarat

‘ડી.જે. ચાલુ કરો, નહીં તો કોઇને અહીંથી જવા નહીં દઈએ’ કહીને મિત્રો ઉપર ચપ્પુથી હુમલો

દેલાડ: સાયણમાં (Sayan) લગ્નપ્રંસગમાં થયેલો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા ચર્ચાનો વિષય બન્યો છે. સાયણમાં દીકરીના લગ્નમાં ડી.જે (D,J) ના પ્રોગ્રમમાં મોટી વેડથી આવેલા સાત ઈસમો અને સાયણમાં રહેતા ત્રણ ઈસમો વચ્ચે બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન (Police station) પહોંચ્યો હતો.

સુરતના (Surat) મોટી વેડના હરપતિવાસમાં રહેતા રાજ બળવંત રાઠોડ (ઉં.વ.૨૦) મજૂરીકામ કરતા આવ્યા છે. તા.૨૩/૨/૨૦૨૨ના રોજ સાયણમાં રહેતા કૌટુંબિક માસી મંજુ સુરેશ રાઠોડની પુત્રીનાં લગ્ન હોવાથી નાચગાનના પ્રોગ્રામમાં રાજ મિત્ર ધર્મેશ રાઠોડ તથા સંદીપ નાયકા સાથે સાયણ આવ્યો હતો. નાચગાન તથા ડી.જે. બંધ થતાં સવા અગિયાર વાગ્યાના સુમારે સાયણ ગામના નહેર કોલોનીમાં રહેતા મિતેશ મુકેશ વસાવા, રોહિત રાજુ રાઠોડ તથા ધર્મેશ અરવિંદ વસાવા સાયણ-સુગર રોડ પર નાયરા પેટ્રોલ પંપની સામે આગળ આવી રાજ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ડી.જે. ચાલુ કરો, નહીં તો કોઇને અહીંથી જવા નહીં દઈએ. ત્યારે રાજે ગાળાગાળી કેમ કરો છો? તેમ કહેતાં મિતેશ, રોહિત તથા ધર્મેશ એકદમ ઉશ્કેરાઇ જઈ રાજને માર મારવા લાગ્યા હતા. ત્યારે રાજના મિત્રો છોડાવવા વચ્ચે પડતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી.

  • ‘ડી.જે. ચાલુ કરો, નહીં તો કોઇને અહીંથી જવા નહીં દઈએ’ કહી બખેડો કર્યો
  • માર મારનાર અને હત્યાની ધમકી આપનાર સાયણના સાત ઈસમો સામે ફરિયાદ

થોડીવાર પછી મિતેશે ફોન કરીને મેહુલ ગોપાલ વસાવા, રાહુલ વિનુ વસાવા, શિવો બાબુ વસાવા તથા હિરેન અરવિંદ પટેલને બોલાવતાં તેઓ લાકડાં તથા બીજાં સાધનો લાવી વારાફરતી આવી રાજ તથા તેના મિત્રોને માર મારવા લાગ્યા હતા. મારામારીમાં શિવાએ ચપ્પુ કાઢીને રાજને પેટના ભાગે મારી દીધો હતો. ત્યારે આજુબાજુના લોકોએ ત્રણેય મિત્રને છોડાવ્યા હતા.

આરોપીઓએ કહ્યું કે, આજે તો બચી ગયા છો. હવે પછી દેખાશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ ઘટના સ્થળેથી રાજને તેના મિત્રો સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તા.૨૪/૨/૨૦૨૨ના રોજ માર મારનાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સાયણના સાતેય મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારાના કટાસવાણમાં સાગી લાકડાં મુદ્દે બે પાડોશી બાખડ્યા
વ્યારા: વ્યારાના કટાસવાણ ગામે ગમારી ફળિયામાં તા.૨૨મી ફેબ્રુઆરીએ સાંજે ૫ વાગ્યાના અરસામાં ઘરઆંગણે કપાયેલાં સાગી લાકડાંને લઈ બે પાડોશી બાખડ્યા હતા. આ મામલે પિતા-પુત્રને ઇજા થતાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

કટાસવાણ ગામે ગમારી ફળિયાના દશરથ છગન ચૌધરી પોતાના ઘર પાસે કાપેલાં સાગનાં લાકડાંને સાફ કરતા હતા. એ સમયે પાડોશમાંથી આવી પહોંચેલા ત્રણ શખ્સ પૈકી જૈમિન ચૌધરીએ દશરથભાઇને કંઈ પણ કહ્યા વગર માથાના ભાગે લાકડાનો એક સપાટો માર્યો હતો. દશરથભાઇનો છોકરો મેહુલ પોતાના પિતાને બચાવવા માટે આવતા જૈમિન ચૌધરીએ તેને પણ માથાના ભાગે ત્રણ જેટલા સપાટા મારી લોહીલુહાણ કરી દીધો હતો. જૈમિન ચૌધરી સાથે આવેલા બીપીન ચૌધરી તથા જરણ ચૌધરીએ ઢીકમુક્કીનો માર માર્યો હતો. કાકરાપાર પોલીસે મેહુલ ચૌધરીની ફરિયાદના આધારે હુમલાખોરોમાં જૈમિન સુમન ચૌધરી, બીપીન માધા ચૌધરી અને જરણ બીપીન ચૌધરી (તમામ રહે.,કટાસવાણ ગમારી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી) વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top