SURAT

સુરત: નરેન્દ્ર મોદીની ચાંદીની ચાર ફૂટની મૂર્તિ ‘સ્પાર્કલ’માં આકર્ષણ જમાવશે

સુરત(Surat): ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ રપ, ર૬ અને ર૭ ઓગસ્ટ, ર૦ર૩ દરમિયાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું (Sparkle International Gems And Jewelery Exhibition 2023) આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એક્ઝિબિશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના 25 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.

સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે. વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Burse) બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, બીટુસી ધોરણે એક્ઝિબિશન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સ્પાર્કલ એક્ઝિબિશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. ઉપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એક જ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

સ્પાર્કલ એક્ઝિબિશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલીમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લૂકની સાથે સાથે ફયુજન લૂક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.

વેડિંગ સિઝનમાં લગ્ન કરનારા NRI સહિત 600 કપલને આમંત્રિત કરાયા
ઓલ એક્ઝિબિશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એક જ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.

આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લૂક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.

પ્રદર્શનના મુખ્ય આકર્ષણ
ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્‌ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી-હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ-પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એક્ઝિબિશનમાં કરવામાં આવશે. પોલ્કી-હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી-જુદી જ્વેલરી જોવા મળશે.

  • ચાંદીનું રામ મંદિર : ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર પ્રદર્શીત કરાશે
  • નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિ પ્રદર્શીત કરવામાં આવશે જેની ઊંચાઇ 4 ફૂટની રહેશે
  • શ્રીનાથજી અને શ્રીજીની પ્રતિમા : સ્પાર્કલમાં શ્રીનાથજી અને શ્રીજીની પ્રતિમાં પણ પ્રદર્શીત કરાશે જેની ઊંચાઇ 4 ફૂટ રહેશે

Most Popular

To Top