World

દક્ષિણ કોરિયાના જંગલમાં લાગેલી આગ શહેર સુધી પહોંચી, અનેક ઈમારતો બળીને ખાખ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના (South Korea) પૂર્વી દરિયાકાંઠાના શહેર ગેંગનેંગ (Gangneung) પર આફત આવી છે. અહીં જંગલની આગે (Forest Fire) વિકરાળ રૂપ ધારણ કરી લીધો હતો. ભારે પવનના કારણે આગ શહેર સુધી પહોંચીં ગઈ હતી. અહીં કેટલીક ઈમારતોને આગે ઝપેટમાં લીધા હતા. સરકારે 500 થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આગ ખૂબ જ ભયાનક હતી, પરંતુ વરસાદને કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોની મદદ મળી હતી.

કોરિયા ફોરેસ્ટ સર્વિસના જણાવ્યા અનુસાર, આગ સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે ગંગનેંગમાં શરૂ થઈ હતી અને સાંજે 4:30 વાગ્યે તેને કાબૂમાં લેવામાં આવી હતી. આગને કારણે 420 એકર જમીનને અસર થઈ હતી. 2 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાંથી 550 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે અધિકારીઓને આગ ઓલવવા અને શક્ય તેટલી વહેલી તકે લોકોને બહાર કાઢવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભારે પવનના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. અને જંગલની આગ હવે શહેર સુધી પહોંચી ગઈ છે. જો કે બચાવ કર્મીઓએ જંગલની નજીકના શહેરને ખાલી કરાવ્યા હતા.

આ ભયાનક આગમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે ફાયર ફાઈટર છે. ભીષણ આગને કારણે ડઝનેક ઈમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, બપોર બાદ બળેલા ઘરમાંથી એક લાશ પણ મળી આવી હતી. અધિકારીઓનું માનવું છે કે જોરદાર પવનને કારણે એક વૃક્ષ વીજળીની લાઈનો પર પડી ગયું હતું, જેના કારણે આગ લાગી હતી.

આગ વિકરાળ હતી અને પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ વરસાદ પડ્યો હતો, જેના કારણે બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ સ્થળની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં આગની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તસવીરોમાં સળગતા જંગલો અને ખેતરો, ધુમાડાથી ઘેરાયેલી ઈમારતો પરિસ્થિતિ જણાવી રહી છે.

Most Popular

To Top