Dakshin Gujarat

કડોદરાની મિલમાં ભીષણ આગ ફાટી નીકળી, પતરાંના શેડ પણ બળી ગયા

સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં આવરનવાર અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને કારખાના, ફેક્ટરીઓમાં આગના બનાવો અનેકોવાર બનતા રહે છે. આવો જ એક બનાવ આજે શહેરના કડોદરા વિસ્તારની જીઆઈડીસીમાં બન્યો છે. કડોદરા જીઆઈડીસીમાં આવેલી મહેશ ડાઇંગ મિલમાં આજે શુક્રવારે તા. 15 ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓ ઊંચે સુધી ઉઠી હતી, જેને દૂરથી પણ જોઈ શકાતી હતી. આગ ઓલવવા માટે 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

  • કડોદરા જીઆઈડીસીમાં આગ લાગી
  • મહેશ ડાઈંગ મિલમાં ભીષણ આગ
  • મિલના પતરાંના શેડ પણ બળી ગયા
  • ભયાનક જવાળાઓ ઉઠી
  • દૂર સુધી ધૂમાડા દેખાયા
  • ફાયરની 10 ટીમો આગ ઓલવવા ઘટના સ્થળે પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે કડોદરા જીઆઈડીસીની મહેશ ડાઈંગ મિલમાં આગ ફાટી નીકળી છે. મિલની અંદર કેમિકલ અને કપડું હોવાના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર મિલને ઝપેટમાં લઈ લીધી હતી. આગ પર કાબુ મેળવવાની કોઈ શક્યતા ન દેખાતા કારીગરો બહારની તરફ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ભીષણ આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, પીઇપીએલ, કામરેજ સહિત 10થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીની આગને પ્રસરતી અટકાવવાની સાથે તેની પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

દરમિયાન મહેશ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે મિલના પતરાના શેડ પણ બળવા લાગ્યા હતાં. તેથી લોકો ગભરાયા હતા. જો કે, સમગ્ર આગને લઈને કોઈ ઈજા જાનહાનિ પ્રાથમિક તબક્કે સામે આવ્યાં નથી.

Most Popular

To Top