SURAT

મંદિરનું માપ લેવા વેપારી રૂમમાં ગયો અને મહિલાએ દરવાજો બંધ કરી કપડાં કાઢ્યા, પછી…

સુરત(Surat): શહેરમાં હનીટ્રેપનો (Honey Trap) વધુ એક બનાવ બન્યો છે. પાલના (Pal) જૈન (Jain) વેપારીને ઘરમાં જૈન મંદિર (Jain Temple) બનાવવાનું હોવાનું કહી ઘરે બોલાવી ફસાવવામાં આવ્યો છે. જૈન વેપારીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાંદેરનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ઘરમાં જૈન મંદિર બનાવડાવાના બહાને બોલાવી અજાણ્યાઓએ ફસાવ્યો
  • મહિલા સાથે રૂમમાં પકડ્યા બાદ પોલીસ કેસ કરવાની ધમકી આપી 17 લાખનો તોડ કર્યો

આ કેસની વિગત એવી છે કે 38 વર્ષીય જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદેર રોડ પર રહે છે. તેમની પાલના વેસ્ટર્ન એરિનામાં જૈન ઉપકરણ ભંડારની દુકાન આવેલી છે. જ્યાં વેપારી પુજાપાનો સામાન વેચે છે. સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર મુક્યો છે.

દરમિયાન સવા મહિના પહેલાં એક અજાણ્યા ઈસમે ફોન કરી ઘરે જૈન મંદિર બનાવવાનું હોય માપ લેવા આવો તેવી વિનંતી વેપારીને કરી હતી. પોતે વ્યસ્ત હોવાથી ગયા નહોતા. વારંવાર ફોન કરી અજાણ્યો બોલાવતો હતો. દરમિયાન ગઈ તા. 7મી માર્ચના રોજ વેપારી ઘરેથી જમી કારમાં દુકાન જવા નીકળ્યો ત્યારે ફરી અજાણ્યાનો વોટ્સએપ કોલ આવ્યો હતો. તેથી લોકેશન મંગાવ્યું હતું.

લોકેશન આધારે વેપારી સિકોતર માતાના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં જઈ પાછો ફોન કર્યો હતો, ત્યારે અજાણ્યાએ કહ્યું કે, પોતે ઓફિસે છે મારા ઘરેથી કોઈકને લેવા મોકલું છે. એક અજાણી મહિલા એક્ટિવા પર આવી હતી. તે મહિલાએ પાછળ આવવા ઈશારો કરતા વેપારી તેની પાછળ ગયો હતો. તે મહિલા સંસ્કૃતિ પાર્ક રો-હાઉસ પાસે લઈ ગઈ હતી. એક મકાનનું લોક ખોલી અંદર લઈ ગઈ હતી. કયાં માપ લેવાનું છે તે પૂછતા મહિલાએ મેડમ આવશે. ત્યાં સુધી બેસો એવું કહ્યું હતું. જેથી વેપારી સોફા પર બેઠો હતો.

દસેક મિનીટ બાદ બીજી અજાણી મહિલા ત્યાં આવી હતી અને મંદિરનું માપ લેવા ઉપરના માળે આવેલા બેડરૂમમાં લઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલાએ બેડરૂમનો દરવાજો બંધ કરી સ્ટોપર મારી દઈ પોતાના કપડાં ઉતારવા માંડ્યા હતા. તેથી વેપારીએ પૂછ્યું આ શું કરો છો? હું ખોટી જગ્યાએ આવી ગયો છું, મને જવા દો, તેમ કહ્યું હતું. વેપારીએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો.

તે દરમિયાન બેડરૂમના દરવાજા બહારથી કોઈકે ખટખટાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલતા ત્રણ અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા. પોતે પોલીસ તરીકે ઓળખ આપી હતી. કુટણખાનું ચલાવો છે એમ કહી ધમકાવ્યા હતા. એક ઈસમે વેપારીને ગાલ પર તમાચો મારી દીધો હતો. પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવટના 15 લાખ માંગ્યા હતા. સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં એચડીએફસી બેન્કની એપ્લીકેશનમાંથી બેન્ક બેલેન્સ જોયું હતું, જે 7.32 લાખ હતું. તે ઉપરાંત દુકાનમાં 1.60 લાખ પડ્યા હતા. ક્રેડિટ કાર્ડમાંથી 1.40 લાખ એમ 10 લાખની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.

ત્રણ પેકી એક અજાણ્યો વેપારીસાથે ગયો હતો. સેલ્ફનો ચેક ભરી એચડીએફસીમાંથી 7 લાખ ઉપાડ્યા હતા. કુલ 10 લાખ અજાણ્યાઓએ વેપારી પાસે ઉલેચી લીધા હતા. ત્યાર બાદ અડાજણ મધુવન સર્કલ થઈ જહાંગીરપુરા એમ.વી. સર્કલ પાસે જઈ અજાણ્યા કારમાંથી ઉતરી ગયા હતા. આ સાથે જ બીજા દિવસે સાંજ સુધીમાં બીજા 5 લાખ મેનેજર કરવા ધમકી આપી હતી.

ત્યાર બાદ 8 માર્ચે ફરી ફોન આવ્યો હતો અને ડોમીનોઝ પીઝા પાસે ઉભો છું. રૂપિયા આપી જાવ કહ્યું હતું. 5 લાખ રોકડા ત્યારે આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ છુટકારો થયો હોવાનો હાશકારો વેપારીએ અનુભવ્યો હતો, પરંતુ વાત અહીં પૂરી થઈ નહોતી.

તા. 21 માર્ચે ફરી ફોન આવ્યો હતો. પીઆઈને ખબર પડી ગઈ છે તે બીજા 15 લાખ માંગે છે એમ કહ્યું હતું. તેથી વેપારીએ કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી હતી. હાલ બે લાખ અને પંદર દિવસમાં બીજા 13 લાખ આપવા વેપારીએ વાયદો કર્યો હતો. તેઓ માની ગયા હતા. દરમિયાન આ મામલે વેપારીએ પોતાના મિત્રો અને દુકાનના સ્ટાફને વાત કરી હતી. મિત્રએ પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. તેના આધારે વેપારીએ હનીટ્રેપ અને 17 લાખના તોડની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં આપી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top