Charchapatra

થોડી બેદરકારી અને ગફલત લાવે છે જીવનનો અંત

ઉપરોક્ત વાક્ય રચનામાં એવું તારતમ્ય નિકળે છે કે કોઈ પણ કામ કરવામાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. જો થોડી પણ ચૂક થાય તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. અંગ્રેજી ભાષામાં એક કહેવત છે કે “ એ સ્પાર્ક નિગલેટેડ બર્ન્સ ધ હાઉસ” (A Spark Niglected Burns The House). મતલબ કે એક નાનકડી ચિંગારીની પણ અવગણના કરવામાં આવે તો એ આખું ઘર બાળી નાંખે છે. મહિના અગાઉ વડોદરા નગરમાં જે હોડી દુર્ઘટના બની એમાં બેદરકારી, ગફલત અને અસુવિધા સામે આવી. આના કારણે લગભગ ચૌદ જેટલાં નિર્દોષ ભૂલકાઓની જિંદગીનો અંત આવ્યો.

પરંતુ જો હોડીમાં માપસરનાં બાળકો બેસાડ્યાં હોત, હોડીની યોગ્ય મરામત થઈ હોત અને બાળકોને સલામતી જેકેટ પહેરાવ્યાં હોત તો આ દુર્ઘટના ઘટી જ ન હોત અને કદાચ કોઈ કારણસર હોડી ઉંધી વળી ગઈ હોત તો પણ આટલી મોટી ખુવારી ન થાત. એટલે તો સેફ્ટી અંગેની હિમાયત કરતી સંસ્થાઓ વારેઘડીએ ન્યુઝ પેપર, ભીંતચિત્રો, ચોપાનિયાં તથા સેફ્ટી અંગેના મેગેઝિન બહાર પાડે છે. પરંતુ લોકો તેમજ સત્તાધિશો આ બાબતને નજર અંદાજ કરે છે અને જ્યારે કોઈ આવી દુ:ખદ ઘટના ઘટે ત્યારે સફાળા નિંદ્રામાંથી જાગૃત થાય છે અને દોડાદોડ, તપાસ, એકબીજા ઉપર દોષારોપણ જેવી ઘટનાઓ શરુ થઈ જાય છે. આની અંદર પણ જે મોટાં માથાઓ સંડોવાયેલા હોય છે તે પૈસા અને લાગવગના જોરે છૂટી જાય છે અને નાના માણસોને સજા ભોગવવાનો વારો આવે છે.

રોડ અકસ્માતોમાં પણ તમે તલસ્પર્શી અભ્યાસ કરશો તો જણાશે કે વાહનની યોગ્ય સમયે મરામતનો અભાવ, વાહનની બીનજરૂરી ઝડપ, સેફટીના સાધનોની અવગણના, વાહન ચાલકોનો નકામો આત્મવિશ્વાસ, ટ્રાફિકનાં નિયમોની અયોગ્ય જાણકારી, ચાલુ વાહને મોબાઈલમાં વાતો કરવી, આ બઘાં કારણોસર રોડ અકસ્માતોનું પ્રમાણ ખુબ વધી ગયું છે. આપણે આમાંથી સુરક્ષિત અને સલામત રહેવું હોય તો સુરક્ષાનાં સાઘનો વસાવવા જોઈએ, પૂરતી ચોકસાઈ રાખવી જોઈએ, બેદરકારી કે લાપરવાહી દાખવવી ન જોઈએ. ઘણાં લોકો એવી દલીલ પણ કરે છે કે મરવાનું તો એકવાર જ છે પછી શું ચિંતા કરવાની. આ એક પ્રકારની અતિશયોક્તિ છે. મૃત્યુ તો દરેક વ્યક્તિનું નક્કી જ છે, પરંતુ કૂતરાંના મોતે મરવા કરતાં સલામત રીતે જીવવું એ શાણપણની નિશાની છે.
હાલોલ- યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એફ.ડી.ના વ્યાજદરમાં વધારો થશે
આર.બી.આઇ. દ્વારા સતત છઠ્ઠી વખત રેપો રેટ યથાવત્ રાખ્યો હતો જેના પરિણામ સ્વરૂપ બેન્કો વધુ નાણાં એકત્રિત કરવાના હેતુથી ટૂંકા ગાળાની એફ.ડી.ના વ્યાજ દરમાં વધારો કરશે એવી પૂરેપૂરી સંભાવના રહી છે. નિષ્ણાતોના મત અનુસાર એક વર્ષની થાપણોના દરો ઊભા રાખવા બેન્કો વચ્ચે હરીફાઇનું વાતાવરણ ઊભું થશે. સામાન્ય રીતે બેન્કો ટૂંકા ગાળાની થાપણો પર વ્યાજ દર વધારે હોય છે. જયારે લાંબા ગાળાની થાપણોનો વ્યાજ દર ઓછો હોય છે કેમકે તેના પર બેન્કોએ ચક્રવૃધ્ધિ વ્યાજ ચૂકવવું પડે છે જેથી જે લોકો પાસે ટુૂકા ગાળા માટે સરપ્લસ રકમ હોય તેઓ એફ.ડી.માં નાણાં રોકી શકે છે.
સુરત              – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top