એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સાથે મળી એક કાર્યકર્મ રાખ્યો જેમાં મનોવૈજ્ઞાનિકનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું.અને પછી એક પ્રશ્નોતરી કલાક રાખવામાં આવ્યો જેમાં જેને મનોવૈજ્ઞાનિકને જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછી શકે. એક લેડીએ ઉભા થઈને મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફીને પ્રશ્ન પૂછ્યો, ‘સર, આ દુનિયામાં કેટકેટલા દુઃખો છે.
માનવજાત દુઃખી છે તો આપના મતે આ દુઃખોનું સૌથી મોટામાં મોટું કારણ શું છે ??’ મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફીએ તરત જ જવાબ આપ્યો, ‘માણસ…..’ તેમનો આ એક શબ્દ સાંભળીને જ બધા અવાચક થઈ ગયા.ઘણા વિચારવા લાગ્યા કે મનોવૈજ્ઞાનિક પ્રશ્ન સમજ્યા નથી લગતા કે અમુક લોકોએ વિચાર્યું મનોવૈજ્ઞાનિક કૈંક બીજું કહેવા માંગે છે.લેડીએ તેઓ આગળ કઈ બોલે તે પહેલા કહ્યું, ‘સર, મારો પ્રશ્ન છે કે માણસના દુઃખોનું સૌથી મોટું કારણ શું છે??’
મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી હાસ્યા અને બધાના મનોભાવ સમજી ગયા હોય તેમ બોલ્યા, ‘મેડમ તમારો સવાલ મેં સાંભળ્યો છે અને બરાબર સમજ્યો છે અને મારો જવાબ એ જ છે કે બધા દુઃખોનું મોટામાં મોટું કારણ માણસ પોતે છે …..હું છું …તમે છો ….આપણે જ આપણા દુઃખોનું કારણ છીએ.’ લેડીએ કહ્યું, ‘સર, આપણે બધા માણસો તો સુખી થવાના…સુખ શોધવાના પ્રયત્નોમાં લાગેલા હોઈએ છીએ.અને તમે કહો છો કે માણસજ દુઃખોનું કારણ છે વિગતવાર સમજાવો.’
મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી બોલ્યા, ‘માણસ કાં તો દુનિયાની ઈચ્છા પ્રમાણે કઠપૂતળી બની ચાલે છે અથવા આખા જગતને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા મથે છે.અને તેમાંથી જ બધી મુશ્કેલીઓની શરૂઆત થાય છે.આ જગત કઈ તમારી ઈચ્છા મુજબ ચાલવાનું નથી અને તમારે પણ દુનિયાની ઈચ્છા મુજબ ચાલવાની પણ કોઈ જરૂર નથી.માણસ જીવનમાં આ જ બે ભૂલો કરે છે અને દુઃખી થાય છે અને બીજાને કરે છે.માણસ આખી દુનિયાની લગામ પોતાના હાથમાં રાખવા ઈચ્છે છે અને જો તેમ શક્ય ન બને તો તે પોતાની લગામ દુનિયાને સોંપી દે છે.આ બે રીતમાં ભૂલ છે અને માણસને નુકસાન થાય છે.આપણે દુનિયાની લગામ આપના હાથમાં રાખવાની પણ જરૂર નથી અને દુનિયાને આપણી લગામ સોંપવાની પણ જરૂર નથી.જરૂર છે માત્ર પોતાની લગામ અને ખાસ કરીને મનની લગામ પોતાના હાથમાં કસીને પકડી રાખવાની બસ તો જીવનમાં કોઈ દુઃખ નહિ રહે.’ મનોવૈજ્ઞાનિકે માણસના દુઃખોનું કારણ સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.