Vadodara

રતલામથી બાંદ્રા જવા નીકળેલા યુવકના રોકડા 3 હજારની ચોરી

વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પરથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન યુવકના પર્સમાંથી રોકડ રૂ. 3000 અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાઇ છે. રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર  દિલ્લીના કબીર નગરમાં રહેતા 28 વર્સીય અજીમ અહેમદ નિવાસી પરિવાર સાથે ગત તારીખ 6  સપ્ટેમ્બરના રોજ કામ અર્થે મધ્યપ્રદેશના રતલામ સેન્ટ્રલ સ્ટેશનથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મહારાષ્ટ્ર મુંબઈના બાંદ્રા સ્ટેશન જવા નીકળ્યા હતા. ટ્રેનમાં રિઝર્વેશન કરીને જવા નીકળેલા અજીમભાઇ પોતાનો સામાન વ્યવસ્થિત મૂકીને રાત્રે સૂઇ ગયા હતા. જ્યારે પોતાનું પર્સ સીટ પાસે રાખી સુઇ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ટ્રેન ગોધરાથી વડોદરા આવવા નીકળી હતી. ત્યરે નિંદ્રાધિન અજીમભાઇએ સીટ ઉપર રાખેલું પર્સ કોઇ ગઠિયો ચોરી કરીને ભાગી છુટ્યો હતો.

મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઊંઘમાંથી જાગેલા અજીમભાઈ  પોતાનું પર્સ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમને બનાવ અંગે વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ પર્સમાં રોકડ રૂપિયા 3000 સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, રેલવે પોલીસે અજીમભાઈની ફરિયાદના આધારે પર્સ ચોરી જનાર અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ગોધરાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપરના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશનો પર આવતી મોડી રાતની ટ્રેનોમાંથી સામાનની ચોરીના બનાવો અવાર-નવાર બનતા હોય છે.

Most Popular

To Top