સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા છે. જ્યારે કેસમાં સંડોવાયેલી અન્ય એક ડોક્ટર નિરાલી હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. આ પહેલાં ખટોદરા પોલીસે ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હીના ભૂતની ધરપકડ કરી હતી. આ કેસ સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 8 ઓગસ્ટની મધરાતે ડોક્ટર હર્ષ પંડ્યાએ હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફેક્ટ-ફાઇન્ડિંગ અને મેડિકલ કમિટીના અહેવાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાની બાબત સામે આવી હતી. ત્યારબાદ મૃતકના પિતાએ 15 ઓગસ્ટે એટ્રોસિટી અને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા સંબંધિત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી બે મહિલા ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની બે દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ, બંનેની કથિત રીતે હર્ષને ત્રાસ આપવા અને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના મામલે ભૂમિકા હોવાની બાબત સામે આવી હતી. ધરપકડ બાદ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. હવે પોલીસે વધુ એક આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. આ સાથે ફરાર ડોક્ટર નિરાલીને પકડવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેસમાં થયેલી ધરપકડ અને તપાસ દરમિયાન સામે આવતી વિગતોને આધારે પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.