Entertainment

બાબા નિરાલાની મુશ્કેલીઓ વધશે? ‘આશ્રમ 4’માં અક્ષય ઓબેરોયની બોબી દેઓલ સાથે ટક્કર

અભિનેતા અક્ષય ઓબેરોય હાલ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવ લોટરી’ને મળી રહેલા હકારાત્મક પ્રતિસાદને કારણે ખુશ છે. હવે તે લોકપ્રિય વેબસિરીઝ ‘આશ્રમ’ની ચોથી સિઝનના શૂટિંગમાં જોડાયો છે. આ સિરીઝમાં બોબી દેઓલ ફરી એકવાર બાબા નિરાલાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અક્ષય ઓબેરોયનું પાત્ર તેમની સામે સીધી ટક્કર આપતું જોવા મળશે. ‘આશ્રમ 4’નું શૂટિંગ હાલમાં રાજસ્થાનના આમેરમાં ચાલી રહ્યું છે. અગાઉ જયપુરમાં શૂટિંગ દરમિયાન બોબી દેઓલને જોવા માટે ચાહકોનાં ટોળાં ઉમટી પડતાં શૂટિંગની કામગીરીમાં વારંવાર વિલંબ થતો હતો. ખાસ કરીને 7 ઓક્ટોબરે શૂટિંગ સ્થળે ચાહકોની મોટી ભીડ એકત્ર થતાં નિર્માતાઓએ શૂટિંગનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ શૂટિંગને આમેરમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં સુરક્ષાની વ્યવસ્થા સાથે નિયંત્રિત વિસ્તારમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

આમેરમાં શૂટિંગને લગભગ 20 દિવસ સુધી ચાલુ રાખવાનું આયોજન છે. અહીં ચાહકોની ભીડથી થતી મુશ્કેલીઓ ઓછી થવાની આશા સાથે કલાકારો અને ફિલ્મની ટીમને કામ કરવામાં સરળતા મળી રહી છે. અગાઉ બોબી દેઓલને જોવા માટે ચાહકોની ઉત્સુકતાને કારણે શૂટિંગના સમયપત્રક પર અસર પડી હતી. પ્રકાશ ઝા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘આશ્રમ’ની ચોથી સિઝનનું આ ત્રીજું શૂટિંગ શેડ્યૂલ છે. સિરીઝમાં બાબા નિરાલાના પાત્રને કારણે બોબી દેઓલને ખાસ ઓળખ મળી છે. હવે અક્ષય ઓબેરોયના પ્રવેશથી વાર્તામાં નવો વળાંક આવવાની અપેક્ષા છે. બંને કલાકારો વચ્ચેનો સંઘર્ષ સિરીઝના આગામી ભાગનું મહત્વનું આકર્ષણ બની શકે છે.

Most Popular

To Top