Business

કામદારોના હિત માટે વડોદરા લેબર કોર્ટને તાળાં મારી વકીલો રસ્તા પર ઉતર્યા

લેબર કાયદા અને ESI કાયદામાં ફેરફારના વિરોધમાં લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશનની બે દિવસીય હડતાળ

આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ


વડોદરા તા.13

નવા લેબર કોડ અને ESI કાયદામાં કરવામાં આવેલા ફેરફારોના વિરોધમાં વડોદરામાં વકીલો અને યુનિયન પ્રતિનિધિઓએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. કામદારોના હિતોનું રક્ષણ કરવાની માગ સાથે લેબર કોર્ટની તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન, વડોદરા દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ વિરોધ સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેબર કાયદાઓમાં કરવામાં આવેલા ફેરફારો સામે કામદારોના હિતોનું રક્ષણ કરવાની માગ સાથે વડોદરામાં વકીલો અને વિવિધ યુનિયનોના પ્રતિનિધિઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન, વડોદરા દ્વારા બે દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લેબર કોર્ટની તાળાબંધી કરી વકીલો અને યુનિયન પ્રતિનિધિઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ કરી રહેલા વકીલો અને યુનિયનના પ્રતિનિધિઓએ લેબર કાયદા તથા ESI કાયદામાં કરવામાં આવેલા ફેરફારો સામે નારાજગી વ્યક્ત કરી હતી. નવા કાયદાઓથી કામદારોના હકો અને હિતો પર વિપરીત અસર થવાની આશંકા વ્યક્ત કરીને ફેરફારોની સમીક્ષા કરવાની માગ ઉઠાવવામાં આવી હતી.
કામદારોના હિતોની જાળવણી અને શ્રમિકોને કાયદાકીય રક્ષણ મળી રહે તે હેતુથી વકીલોએ હડતાળના માધ્યમથી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લેબર કાયદાના ફેરફારો સામે વકીલો અને યુનિયન પ્રતિનિધિઓ વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top