કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા તેમના વતન સંતુક પિંપરી ગામમાં નિધન થયું છે. આશરે 78થી 85 વર્ષની વયનાં સાવિત્રીબાઈ લાંબા સમયથી બીમાર હતાં. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ ઘટના એવા સમયે બની છે, જ્યારે અભિજીત દીપકે દિલ્હીમાં પોલીસ અટકાયતમાં છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજીત દીપકે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ફ્લાઇટ દ્વારા દિલ્હી આવ્યા હતા, પરંતુ વિમાન ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થતાં જ દિલ્હી પોલીસે વિમાનની અંદરથી જ તેમની અને તેમના કેટલાક સાથીદારોની અટકાયત કરી લીધી હતી.
એક તરફ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ દાદીના નિધનના સમાચારથી દીપકે પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પરિવાર માટે આ મુશ્કેલ સમય છે, કારણ કે અભિજીત દીપકે હાલમાં પોલીસ અટકાયતમાં હોવાથી પરિવારના દુઃખમાં સામેલ થઈ શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. અભિજીત દીપકેને દાદીના નિધન અંગે જાણ કરવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. ઉપરાંત, તેમને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વતન જવાની મંજૂરી મળશે કે નહીં તે અંગે પણ હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હવે આ મામલે પોલીસ અને સંબંધિત અધિકારીઓ શું નિર્ણય લે છે તેના પર પરિવારની નજર રહેશે.