SURAT

છઠ પૂજા માટે સુરત તૈયાર, 20થી વધુ સ્થળોએ થશે ભવ્ય આયોજન; રેલવે પાસે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ

સુરત શહેરમાં વસતા લાખો ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા સૌથી મોટો તહેવાર છે. દર વર્ષે છઠ પૂજામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લામાં અંદાજે 4થી 5 લાખ લોકો છઠ પૂજામાં જોડાય તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો અને નહેર-નદીના કાંઠે છઠ પૂજા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી ડિંડોલી ખાતે આવેલા છઠ પૂજા તળાવ પર શ્રદ્ધાળુઓએ એક મહિના પહેલાથી જ પોતાની જગ્યા રોકવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોએ તળાવની પાળ પર પોતાના નામ અને મોબાઈલ નંબર લખીને અત્યારથી જ જગ્યા બુક કરી લીધી છે.

ડિંડોલીમાં ઘાટ પર નામ અને મોબાઈલ નંબર લખીને જગ્યા રિઝર્વ કરવાની પ્રથા સામે આવ્યા બાદ બિહાર સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારનું કોઈ રિઝર્વેશન સંસ્થા તરફથી કરવામાં આવતું નથી. સ્થાનિક લોકો પોતાની અનુકૂળતા માટે જાતે જ આવી વ્યવસ્થા કરી રહ્યા છે. સંસ્થા દ્વારા તમામ લોકોને એક જ દિવસે એકત્ર થવા માટે જણાવવામાં આવ્યું છે. આગેવાનોનું કહેવું છે કે છઠ પૂજા માટે આવતા તમામ લોકોનો સમાવેશ થઈ જાય છે અને કોઈએ આ રીતે અગાઉથી જગ્યા રોકી રાખવાની જરૂર નથી.

સુરત મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં 18થી 20 જેટલી જગ્યાઓ પર છઠ પૂજાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. અંબિકા નિકેતન પાછળ તાપી નદીના કિનારે તેમજ શહેરના અન્ય કૃત્રિમ તળાવો પર છઠ પૂજા દરમિયાન વિશાળ માહોલ જોવા મળે છે. છઠ પૂજા સમયે સુરત જાણે મિની બિહાર બની ગયું હોય તેવું દૃશ્ય સર્જાય છે. આયોજકોના જણાવ્યા મુજબ સુરતમાં છઠ પૂજા માટે કરવામાં આવતી વ્યવસ્થા બિહારમાં થતી વ્યવસ્થા કરતાં જરાય ઉતરતી નથી. દર વર્ષે નવા વ્રતીઓ પણ આ પૂજામાં જોડાઈ રહ્યા છે.

એક તરફ સુરતમાં લાખો લોકો છઠ પૂજા કરે છે, તો બીજી તરફ દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન સુરતથી પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશા તરફ જાય છે. તહેવારોની સિઝનમાં સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે. રેલવે દ્વારા ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનો પણ મુસાફરોની સંખ્યા સામે ઘણી વખત ઓછી પડે છે. જેના કારણે વતન જવા નીકળેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને બિહાર સમાજ દ્વારા રેલવે તંત્રને આગોતરી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જે દિવસે સ્પેશિયલ ટ્રેન ઉપડવાની હોય તે દિવસે રેલવે સ્ટેશનની બહાર કલાકો સુધી રાહ જોતા મુસાફરો માટે પણ ખાસ સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. મુસાફરોને તડકામાં કલાકો સુધી ઊભા ન રહેવું પડે તે માટે છાંયડા માટે મંડપ અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અજય ચૌધરીએ જણાવ્યું હતું કે સુરતમાં છઠ પૂજાનો માહોલ અદભુત હોય છે. પાલિકાના સહયોગથી ખૂબ મોટી વ્યવસ્થા કરવામાં આવે છે અને તેમાં 4થી 5 લાખ લોકો ભાગ લે છે. ડિંડોલીમાં જગ્યા રોકવાની જે વાત સામે આવી છે તે કોઈ નિયમ નથી. લોકો પોતાની રીતે નાના મંડપ અથવા સામાન મૂકવા માટે આવું કરે છે, પરંતુ છઠ પૂજા માટે આવતા તમામ લોકોને જગ્યા મળી રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય ચિંતા રેલવેની વ્યવસ્થાને લઈને છે. તહેવારો દરમિયાન વતન જવા માટે લોકો 12થી 24 કલાક સુધી સ્ટેશન પર લાઈનમાં ઊભા રહે છે. તેથી રેલવે વિભાગે વધુમાં વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જરૂરી છે. સાથે જ સ્ટેશન પર મુસાફરોને લાંબા સમય સુધી તડકામાં ઊભા ન રહેવું પડે તે માટે પીવાના પાણી અને છાંયડાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી છે.

છઠ પૂજાને હવે થોડો સમય બાકી હોવા છતાં સુરતના વિવિધ વિસ્તારોમાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ શહેરના 20થી વધુ સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ માટે પૂજા વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે, તો બીજી તરફ તહેવારોમાં વતન જવા નીકળનારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વ્યવસ્થા વધારવાની માંગ પણ તેજ બની છે.

Most Popular

To Top