થોડા જ વરસાદમાં મુખ્ય માર્ગ પર ખાડા અને ભુવાઓની ભરમાર, સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્રની નિષ્ક્રિયતા સામે આકરા પ્રહાર
જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને નિષ્ક્રિય અધિકારીઓને સસ્પેન્ડ કરો, આગામી ૨૪ કલાકમાં કામગીરી નહીં થાય તો રોડ પર રામધૂન કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૬
વડોદરા :- શહેરમાં સમાવિષ્ટ થયેલા વેમાલી વિસ્તારમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. વેમાલી ગામના મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો અને નાગરિકો અવરજવર કરે છે, પરંતુ આ મુખ્ય માર્ગ જ હાલ અત્યંત દયનીય હાલતમાં ફેરવાઈ ગયો છે. થોડા જ વરસાદમાં આ રોડ પર મસ મોટા ભુવા અને ખાડા પડી જવાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ સમસ્યા અંગે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને સ્થાનિક જવાબદાર અધિકારીઓ અને તંત્રને જગાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે પરિસ્થિતિ તેમની તેમ જ રહેવા પામી છે.

થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારની મુલાકાતે આવેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પણ સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. તે સમયે સ્થળ તપાસ કરી રહેલા તમામ અધિકારીઓએ ટૂંક સમયમાં જ યોગ્ય કામગીરી કરી આપવાની બાંહેધરી અને પોકળ વાયદા આપ્યા હતા. જો કે, આ વાયદાઓની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં તો તે જ રોડ પર એકસાથે ત્રણથી ચાર મોટા ભુવાઓ પડતાં રોડ ફરી બેસી જતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ ગંભીર બેદરકારી સામે રોષે ભરાયેલા સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે માંગ કરી છે કે પ્રજાના પૈસાનું વેડફાટ કરનાર અને નબળી ગુણવત્તાનું કામ કરનાર સંબંધિત કોન્ટ્રાક્ટરને તુરંત બ્લેકલિસ્ટ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.

આ સાથે જ તંત્રને ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ૨૪ કલાકની અંદર યુદ્ધના ધોરણે રોડ-રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો નાગરિકોને સાથે રાખીને રોડ પર જ બેસીને રામધૂન બોલાવવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.