Sports

સ્પેનનો શાનદાર વિજય: બેલ્જિયમને 2-1થી હરાવી FIFA વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં એન્ટ્રી

હવે ફ્રાન્સ સામે મહાસંગ્રામ

ફિફા વર્લ્ડ કપ 2026માં યુરોપિયન ચેમ્પિયન સ્પેને પોતાની શાનદાર રમતનો સિલસિલો જાળવી રાખતાં ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. કેલિફોર્નિયાના લોસ એન્જેલિસ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં અંતિમ ક્ષણોમાં મિકલ મેરીનોએ નિર્ણાયક ગોલ કરીને સ્પેનને યાદગાર જીત અપાવી હતી. હવે સેમિફાઇનલમાં સ્પેનનો મુકાબલો ફ્રાન્સ સામે થશે, જેને ટૂર્નામેન્ટની સૌથી મોટી ટક્કર તરીકે જોવામાં આવી રહી છે.

મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત બતાવી હતી. સ્પેને શરૂઆતથી બોલ પર નિયંત્રણ જાળવ્યું અને સતત બેલ્જિયમના ડિફેન્સ પર દબાણ બનાવ્યું. મેચની 30મી મિનિટે ફેબિયાન રૂઇઝે શાનદાર ગોલ કરીને સ્પેનને 1-0ની સરસાઈ અપાવી. આ ગોલ બાદ સ્પેન વધુ આત્મવિશ્વાસ સાથે રમતું જોવા મળ્યું ,પ્રથમ હાફમાં રમત પર તેનું પ્રભુત્વ રહ્યું. પરંતુ બેલ્જિયમે હાર માની નહોતી. પ્રથમ હાફ પૂર્ણ થવાના થોડા સમય પહેલાં 41મી મિનિટે ચાર્લ્સ ડી કેટેલારે હેડર દ્વારા ગોલ ફટકારી સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો. આ ગોલ સ્પેન માટે આ સમગ્ર વર્લ્ડ કપમાં મળેલો પ્રથમ ગોલ પણ હતો, કારણ કે તે પહેલાંની તમામ મેચોમાં સ્પેનનું ડિફેન્સ અજેય રહ્યું હતું.

બીજા હાફમાં બંને ટીમોએ જીત માટે જોરદાર પ્રયાસો કર્યા. સ્પેન સતત આક્રમણ કરતું રહ્યું જ્યારે બેલ્જિયમે ઝડપી કાઉન્ટર એટેક દ્વારા તક ઉભી કરવાનો પ્રયાસ કર્યો. મેચના અંતિમ તબક્કામાં બંને ટીમો પાસે ગોલ કરવાની તક આવી હતી, પરંતુ બંને તરફના ગોલકીપરોએ મહત્વપૂર્ણ બચાવ કરીને મેચને રોમાંચક બનાવી રાખી.મેચની 88મી મિનિટે આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બેલ્જિયમના ગોલકીપર સેન્ને લેમેન્સ એક શોટને સંપૂર્ણ રીતે રોકી શક્યા નહોતા અને બોલ તેમના હાથમાંથી છટકી ગયો. આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવતા મિકલ મેરીનોએ નજીકથી બોલને જાળીમાં પહોંચાડ્યો અને સ્પેનને 2-1ની નિર્ણાયક લીડ અપાવી. આ ગોલ બાદ બેલ્જિયમ પાસે બરાબરી માટે બહુ ઓછો સમય બચ્યો હતો.

ઇજાના સમયમાં બેલ્જિયમના સ્ટાર સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુએ સમીકરણ બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્પેનના મજબૂત ડિફેન્સે કોઈ મોટી તક આપી નહીં. અંતિમ સિટી વાગતા જ સ્પેનના ખેલાડીઓ અને સમર્થકોમાં ભારે ઉજવણી શરૂ થઈ ગઈ.
મિકલ મેરીનો માટે આ સતત બીજી મેચમાં નિર્ણાયક પ્રદર્શન રહ્યું. અગાઉ રાઉન્ડ ઓફ-16માં પણ તેમણે પોર્ટુગલ સામે વિજયી ગોલ નોંધાવ્યો હતો અને હવે બેલ્જિયમ સામે પણ અંતિમ ક્ષણોમાં ગોલ કરીને ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી. તેમની શાનદાર રમતને કારણે તેઓ ટૂર્નામેન્ટના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે.

સ્પેનના કોચ લુઈસ દે લા ફુએન્ટેએ મેચ બાદ કહ્યું કે ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવી નહોતી. તેમણે કહ્યું કે બેલ્જિયમ જેવી મજબૂત ટીમ સામે જીત મેળવવી સરળ નહોતી, પરંતુ ખેલાડીઓએ અંત સુધી વિશ્વાસ જાળવી રાખ્યો અને તેનો પરિણામ વિજયના રૂપમાં મળ્યો.બીજી તરફ બેલ્જિયમના કોચે પોતાની ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમના મતે ખેલાડીઓએ સ્પેનને કઠિન પડકાર આપ્યો, પરંતુ અંતિમ ક્ષણની નાની ભૂલ ભારે પડી ગઈ. ગોલકીપરની ભૂલ બાદ ટીમને મેચમાં પરત ફરવાની પૂરતી તક મળી નહોતી.

આ જીત સાથે સ્પેને અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પોતાના નામે કરી છે. ટીમનો અપરાજિત અભિયાન યથાવત રહ્યો છે અને માર્ચ 2023 પછી સ્પેન સતત સ્પર્ધાત્મક મેચોમાં અપરાજિત રહી છે. ઉપરાંત, સ્પેન 2010 બાદ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે.હવે સેમિફાઇનલમાં સ્પેનનો મુકાબલો ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે પોતાના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને હરાવી અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતું. બંને યુરોપિયન દિગ્ગજો વચ્ચેની આ ટક્કરને ટૂર્નામેન્ટની સૌથી હાઈ-વોલ્ટેજ મેચ માનવામાં આવી રહી છે. બંને ટીમો પાસે વિશ્વસ્તરીય ખેલાડીઓ, મજબૂત મિડફિલ્ડ અને મજબૂત ડિફેન્સ છે, જેના કારણે મુકાબલો અત્યંત રસપ્રદ બનવાની શક્યતા છે.

સ્પેન માટે સૌથી મોટો સકારાત્મક પાસો તેની ટીમવર્ક છે. આ ટૂર્નામેન્ટમાં ટીમે માત્ર સ્ટાર ખેલાડીઓ પર આધાર રાખ્યો નથી, પરંતુ દરેક મેચમાં અલગ-અલગ ખેલાડીઓએ જવાબદારી સંભાળી છે. ફેબિયાન રૂઇઝ, મિકલ મેરીનો, લામિન યામાલ, નિકો વિલિયમ્સ અને અન્ય ખેલાડીઓએ સતત અસરકારક રમત બતાવી છે.બેલ્જિયમ માટે આ હાર નિરાશાજનક રહી, પરંતુ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન સામે અંત સુધી લડત આપીને તેમણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. જોકે અંતિમ ક્ષણની એક ભૂલ તેમને વર્લ્ડ કપમાંથી બહાર લઈ ગઈ.

ફૂટબોલ વિશ્લેષકોનું માનવું છે કે જો સ્પેન પોતાની હાલની લય જાળવી રાખશે તો તે ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાની દાવેદાર બની શકે છે. બીજી તરફ ફ્રાન્સ પણ મજબૂત ફોર્મમાં હોવાથી સેમિફાઇનલ એક પ્રકારની ‘ફાઇનલ પહેલાંની ફાઇનલ’ બની શકે છે.હવે સમગ્ર ફૂટબોલ જગતની નજર સ્પેન અને ફ્રાન્સ વચ્ચે થનારી આ મહામુકાબલા પર રહેશે. બંને ટીમો પાસે હુમલો અને બચાવ બંનેમાં સંતુલિત ખેલાડીઓ છે, તેથી એક નાનકડી ભૂલ પણ મેચનું પરિણામ બદલી શકે છે. વિશ્વભરના કરોડો ફૂટબોલ ચાહકો માટે આ સેમિફાઇનલ વર્લ્ડ કપ 2026ની સૌથી યાદગાર મેચોમાંની એક બની શકે છે.

Most Popular

To Top