Vadodara

પોલો ક્લબ ચૂંટણીમાં ‘ટીમ ડેમોક્રેસી’નો ઐતિહાસિક વિજય: મેહુલ ઝવેરી ૩૦૦થી વધુ મતોની સરસાઈથી પ્રમુખ બન્યા

ક્લબના ઈતિહાસમાં સૌથી મોટી જીત: ૧૦ વર્ષના મેગા ડેવલપમેન્ટ રોડમેપ હેઠળ ૨ લાખ ચોરસ ફૂટ નવી જગ્યા અને ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ બનશે

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની અતિ પ્રતિષ્ઠિત અને હાઈ પ્રોફાઈલ ગણાતી પોલો ક્લબની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ‘ટીમ ડેમોક્રેસી’એ ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારે રસાકસી અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ ૧૦૩૪ સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામો આવતાની સાથે જ ‘ટીમ ડેમોક્રેસી’ના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
​ચૂંટણીમાં પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર મેહુલ ઝવેરીએ પોતાના પ્રતિસ્પર્ધી સામે ૩૦૦થી વધુ મતોના તોતિંગ માર્જિનથી રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, મેહુલ ઝવેરી અગાઉ સળંગ ૪ ટર્મ સુધી પોલો ક્લબમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ક્લબના ભદ્ર સભ્યોએ તેમના બહોળા અનુભવ અને મજબૂત નેતૃત્વ પર ફરી એકવાર ભરોસો મૂકીને ક્લબના સર્વોચ્ચ પદની કમાન તેમને સોંપી છે.
​ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પ્રમુખ મેહુલ ઝવેરીએ ક્લબ પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે, “સભ્યોએ મારા પર મૂકેલા વિશ્વાસને હું ક્યારેય એળે જવા દઈશ નહીં. આ જીત મારી એકલાની નથી, પરંતુ સમગ્ર ટીમ, વડીલો અને પોલો ક્લબના એક-એક સભ્યની જીત છે.”
ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ક્લબના કાયાકલ્પ માટે આગામી ૧૦ વર્ષનો એક મેગા ડેવલપમેન્ટ રોડમેપ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ક્લબ પરિસરમાં આશરે ૨ લાખ સ્ક્વેર ફૂટ જેટલી નવી જગ્યા એક્વાયર કરવામાં આવશે. જેમાં રમત-ગમતના શોખીનો માટે ૪ નવા ટેનિસ કોર્ટ, ૪ પિકલ બોલ કોર્ટ, ૨ પેડલ કોર્ટ અને આધુનિક બાસ્કેટબોલ કોર્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, હેલ્થ ફિટનેસ માટે આધુનિક જોગિંગ ટ્રેક અને આંતરરાષ્ટ્રીય સ્તરનો ઓલિમ્પિક સાઈઝનો હાઈ-ક્લાસ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વડોદરાની પોલો ક્લબ વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ બનશે.

વડોદરાની ‘રોયલ ક્લબ’ હવે ગ્લોબલ ફ્લેવરમાં રંગાશે!
​પોલો ક્લબના ૧૦૩૪ મતદારોએ આ વખતે માત્ર નેતા જ નથી ચિંધ્યા, પરંતુ ક્લબના આધુનિકીકરણના સુવર્ણ યુગ પર મહોર મારી છે. ‘ટીમ ડેમોક્રેસી’ના મેહુલભાઈએ ૩૦૦થી વધુ મતોની પ્રચંડ સરસાઈથી જીત મેળવી સાબિત કર્યું છે કે સભ્યોને અનુભવ અને વિકાસની રાજનીતિ પર પૂર્ણ ભરોસો છે. એજીએમ માં મંજૂર કરાયેલો ૧૦ વર્ષનો મેગા પ્લાન ક્લબનો નકશો બદલી નાખશે. ૨ લાખ ચોરસ ફૂટનો નવો વિસ્તાર અને ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલ જેવી અદ્યતન સ્પોર્ટ્સ સુવિધાઓ સાથે વડોદરાની આ ધરોહર આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે તે નક્કી છે.

Most Popular

To Top