સોનારકુઈ પાસે વીજ કામમાં સેફ્ટી સાધનો વિના શ્રમિકને ચઢાવ્યો હોવાના આક્ષેપ
તબિયત નાજુક,સરકારી બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા ગ્રામ્યના સોનારકુઈ ગામ પાસે વીજ કંપનીના પોલ પર કામ કરતા કોન્ટ્રાક્ટ પરના શ્રમિકને જોરદાર વીજ કરંટ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સેફ્ટી સાધનો આપ્યા વિના કામ કરાવવામાં આવતું હોવાથી આ ગંભીર ઘટના બની હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, નિલેશભાઈ રમણભાઈ સંગાડા આજે વીજ લાઈન પર ચાલુ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ શ્રમિક થાંભલા પરથી નીચે પટકાયો હતો અને ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અને અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત નિલેશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબિયત વધુ નાજુક જણાતા ડોક્ટરોની સલાહ મુજબ તેમને વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો અને અન્ય શ્રમિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને યોગ્ય સેફ્ટી બેલ્ટ, ગ્લવ્ઝ, હેલ્મેટ જેવા ફિટનેસ અને સાવચેતીના સાધનો આપવામાં આવતા નથી. જો કોન્ટ્રાક્ટરે આ શ્રમિકને સેફ્ટીના સાધનો આપ્યા હોત તો કદાચ આ ઘટના ટાળી શકાઈ હોત. કોન્ટ્રાક્ટરની આ બેદરકારીના કારણે આજે એક શ્રમિકનો જીવ જતાં જતાં બચી ગયો છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા સેફ્ટીના નિયમોનો ઉલાળિયો કરવામાં આવતો હોવાથી શ્રમિકોમાં ભારે રોષ છે. હાલ ઇજાગ્રસ્ત શ્રમિક સારવાર હેઠળ છે.