બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી
કોર્પોરેશનના સુપરવાઇઝરની ફરિયાદ બાદ બે પશુપાલકો સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસ શરૂ
વડોદરા, તા. 8
વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને નિયંત્રિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, ઢોર પકડવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ યથાવત રહેતાં કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પૂર્વ ઝોનના બાપોદ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં રખડતા પશુઓને પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર પશુપાલકોએ હુમલો કરીને પકડાયેલી ગાયો છોડાવી ભગાડી દીધી હતી.
મળતી માહિતી મુજબ, ખોડીયારનગર રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા શશીકાંત શર્મા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી વિભાગના પૂર્વ ઝોનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે બપોરે આશરે 12:30 વાગ્યે તેઓ પોતાની ટીમ સાથે બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ જાહેર માર્ગ પર રખડતી બે ગાયોને પકડીને નજીકના ખુલ્લા મેદાન તરફ લઈ જઈ રહ્યા હતા.
આ દરમિયાન ભનુ ભરવાડ સહિત બે પશુપાલકો ત્યાં આવી પહોંચ્યા હતા અને કોર્પોરેશનની ટીમને રોકી ગેરવર્તણૂક શરૂ કરી હતી. આરોપીઓએ સરકારી કર્મચારીઓ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી તેમજ પકડાયેલી ગાયોને બળજબરીપૂર્વક છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતા સુપરવાઇઝર શશીકાંત શર્મા વચ્ચે પડ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા આરોપીઓએ તેમની સાથે પણ આક્રમક વર્તન કર્યું હતું. જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન આરોપીઓ કોર્પોરેશનની ટીમે પકડેલી ગાયોને છોડાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને ધમકીની આ ઘટનાને પગલે શશીકાંત શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ભનુ ભરવાડ સહિત બે વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, ધમકી અને ફરજમાં અવરોધની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી દરમિયાન વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે કર્મચારીઓની સુરક્ષા અને કાયદાના અમલ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.