( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર ગત રાત્રીએ એક વિશાળ વૃક્ષ મુખ્ય માર્ગ પર ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ હતી. મધરાત્રીએ બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, વૃક્ષ પડવાથી કેબલ વાયરો તૂટી પડ્યા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખાસવાડી સ્મશાન રોડ પર અચાનક મુખ્ય માર્ગ પર આવેલું વિશાળ ઝાડ તૂટી પડ્યું હતું. ઝાડ પડતાની સાથે જ ઉપરથી પસાર થતા કેબલ વાયરો પણ તૂટીને રસ્તા પર પડ્યા, જેના કારણે લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. વૃક્ષ અને વાયરો રસ્તા પર પડી જતા એક તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકોને લાંબો ચકરાવો લઈને પસાર થવાની ફરજ પડી હતી. તૂટીને નીચે પડેલા વીજ વાયરોના કારણે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, ઘટના મધરાત્રીએ બનતા રસ્તા પર અવર-જવર ઓછી હતી, જેથી મોટી જાનહાનિ ટળી. જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. તંત્ર દ્વારા જોખમી વૃક્ષોનું સર્વેક્ષણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.