છેલ્લી તારીખે સર્વર ઠપ્પ થતાં અરજી પ્રક્રિયા ખોરવાઈ, વિદ્યાર્થીઓમાં ભારે રોષ
લોગિનથી લઈને પેમેન્ટ સુધી ટેકનિકલ ખામીઓનો માર; ડેડલાઈન વધારવાની ઉઠી જોરદાર માંગ
(પ્રતિનિધિ), વડોદરા, તા. 8
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે રી-ઇવેલ્યુએશન અરજીની છેલ્લી તારીખે જ પોર્ટલ ખોરવાઈ જતાં દેશભરના હજારો વિદ્યાર્થીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. મધરાતની ડેડલાઈન નજીક આવતા જ વેબસાઈટ પર સર્જાયેલી ટેકનિકલ ખામીઓને કારણે અનેક વિદ્યાર્થીઓ અરજી કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેમની શૈક્ષણિક કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસના સપનાઓ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા કલાકોમાં રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર લોગિન ફેઇલ્યોર, ‘રોલ નંબર નોટ ફાઉન્ડ’ એરર, પેમેન્ટ પ્રક્રિયામાં અવરોધ, કેપ્ચા વેરિફિકેશન નિષ્ફળ જવું તેમજ વેબપેજ લોડ ન થવા જેવી અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. અનેક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે CBSEની હેલ્પલાઈન સતત વ્યસ્ત રહી હતી અથવા ફોનનો જવાબ આપવામાં આવ્યો ન હતો. ઉપરાંત ઇ-મેઇલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો પણ દિવસો સુધી કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. વિદ્યાર્થીની તનિષ્કા રાઠી સહિત અનેક વિદ્યાર્થીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે પોર્ટલ જ યોગ્ય રીતે કાર્ય કરતું ન હોય ત્યારે વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં અરજી કેવી રીતે કરી શકે? વિદ્યાર્થીઓનું કહેવું છે કે તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવા છતાં સિસ્ટમ તેમને લોગિન કરવાની મંજૂરી આપતી નહોતી.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા છે કે તેમની કોઈ ભૂલ વિના તેઓ મનપસંદ કોલેજ અથવા કોર્સમાં પ્રવેશ મેળવવાની તક ગુમાવી શકે છે. ઉપરાંત કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એડમિશન પ્રક્રિયાઓની સમયમર્યાદા નજીક હોવાને કારણે આ વિલંબ તેમના ભવિષ્યને અસર કરી શકે છે.
નોંધનીય છે કે ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત કારણોસર CBSE અગાઉ પણ રી-ઇવેલ્યુએશનની સમયમર્યાદા લંબાવી ચૂકી છે. જોકે પોર્ટલમાં સતત સર્જાતી ખામીઓને કારણે વધારાનો સમય પણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થયો નથી. રવિવાર સાંજથી સોશિયલ મીડિયા પર #ExtendCBSEDeadline અને #CBSEReevaluation જેવા હેશટેગ સાથે ડેડલાઈન ફરી લંબાવવાની માંગ જોર પકડી રહી છે.
વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ પોર્ટલ ફરી શરૂ કરવા, અરજીની નવી સમયમર્યાદા જાહેર કરવા અથવા વૈકલ્પિક અરજી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હવે CBSE આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર હજારો વિદ્યાર્થીઓની નજર મંડાઈ છે.