વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, 100 સીસીટીવી તપાસીને ભેદ ઉકેલાયો
₹2.70 લાખનો મુદ્દામાલ કબજે
બારી તોડીને પંચધાતુની મૂર્તિઓ, સોનાનું પ્લેટિંગ કરેલો મુગટ અને ડાયમંડની માળા ચોરીને દાહોદ ભાગી જવાની પેરવીમાં હતા તસ્કરો, અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ), વડોદરા. તા.4
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવીને અકોટા વિસ્તારમાં આવેલા એક મકાન જૈન દેરાસરમાંથી 540 વર્ષ જુની અત્યંત કિંમતી અને પ્રાચીન પ્રતિમાઓ તેમજ દાગીનાની ચોરી કરનાર ત્રણ રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલી મૂર્તિઓ, સોનાનું પ્લેટિંગ કરેલો ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા અને ગુનામાં વપરાયેલી બાઇક સહિત કુલ ₹2,70,000/- નો મુદ્દામાલ કબજે કરી રાત્રિ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે.
વડોદરાના અકોટા રોડ પર આવેલી ચેતન સોસાયટીમાં એક મકાન દેરાસર આવેલું છે. ગત તા. 29/05/2026 ની રાત્રિના સાડા સાત વાગ્યાથી તા. 30/05/2026 ની વહેલી સવારના સાડા પાંચ વાગ્યા દરમિયાન, કોઈ અજ્ઞાત ચોર ઈસમોએ આ મકાન દેરાસરની જમણી બાજુની નાની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ દેરાસરમાં સ્થાપિત અને પૂજિત એવી પંચધાતુની સુમતિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા, શાંતિનાથ પ્રભુની પ્રતિમા તેમજ વ્યાસવાળો પંચધાતુનો ગઠ્ઠો (ચક્ર) મળીને કુલ ત્રણ પ્રાચીન મૂર્તિઓની ચોરી કરી હતી. આ ઉપરાંત, પ્રભુજીના મસ્તક પર શોભતો 500 ગ્રામ ચાંદીનો અને સોનાનું પ્લેટિંગ ધરાવતો મુગટ તેમજ ભગવાનને પહેરાવેલી 16 કેરેટના અમેરિકન ડાયમંડની માળા પણ ચોરી કરી ગયા હતા. આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં અંદાજે ₹1,85,000/- ની મતાની ચોરી અંગે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 331(4) અને 305(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
540 વર્ષ જુની પ્રાચીન અને આસ્થા સમાન મૂર્તિઓની ચોરીનો મામલો અત્યંત ગંભીર હોઈ, વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડીયા આ વણઉકેલાયેલા ગુનાને તાત્કાલિક ઉકેલવા આદેશ આપ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCP અભિષેક ગુપ્તા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના આશરે 100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સ એક્ટિવ કરવામાં આવ્યા હતા.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ ટેકનિકલ લોકેશન અને બાતમી મળી હતી કે, અકોટાના દેરાસરમાં ચોરી કરનારા ત્રણ ઈસમો એક બજાજ પલ્સર 220 સીસી બાઈક નંબર :- GJ-18-DM-3842 લઈને ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જવાના રસ્તાના ટર્નિંગ પાસે ઉભા છે અને તેઓ આ ચોરાયેલી મૂર્તિઓ તથા સામાન દાહોદ તરફ સગેવગે કરવાની પેરવીમાં છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તુરંત ગોલ્ડન ચોકડી ખાતે વોચ ગોઠવી દીધી હતી. ત્યાં ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે ઉભેલા દેખાતા અને એકના હાથમાં વજનદાર થેલો હોવાથી પોલીસે ત્રણેયને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ અને થેલાની તલાશી લેતા અંદરથી ચોરાયેલી પંચધાતુની પ્રાચીન મૂર્તિઓ, મુગટ અને માળા મળી આવ્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ બાઈકના કાગળો કે મૂર્તિઓ બાબતે ગોળગોળ જવાબો આપ્યા હતા, પરંતુ આકરી પૂછપરછમાં તેમણે અકોટાના દેરાસરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે અને હાલ વડોદરાના ગોત્રી અને લક્ષ્મીપુરા વિસ્તારમાં ઝૂંપડા કે સોસાયટીમાં રહી મજૂરીકામ કે અન્ય બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા.
પકડાયેલા આરોપીઓના નામ…
* 1) વિજય ભુરાભાઇ ભીખાભાઇ સંગાડા, ઉં.વ. 25 હાલ રહે. નીરાબા સોસાયટી, અંબિકાનગર, ગોત્રી, વડોદરા (મૂળ રહે. ગામ ભોરવા, નિશાળવાળુ ફળિયું, તા. ધાનપુર, જી. દાહોદ).
* 2) ધર્મેશભાઇ નુરજીભાઇ કાળીયાભાઇ માવી, ઉં.વ. 21, હાલ રહે. પ્રિયા ટોકીઝ પાસે, કેનાલ નજીક ઝૂંપડામાં, ગોત્રી, વડોદરા (મૂળ રહે. ગામ ચીલાકોટા, જાગલા ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ).
* 3) સુનીલ છતરભાઇ મલાભાઇ ડાંગી, ઉં.વ. 20 હાલ રહે. લક્ષ્મીપુરા, કુનાલ ચાર રસ્તા પાસે, ખેતરના ઝૂંપડામાં, વડોદરા (મૂળ રહે. ગામ કાકરીડુંગરી, ડામોર ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ).
કબજે કરાયેલો મુદ્દામાલ કુલ કિંમત ₹2,70,000/-
* પંચધાતુની પ્રભુજીની મોટી પ્રાચીન પ્રતિમા (નંગ-૦1)
* પંચધાતુની પ્રભુજીની નાની પ્રતિમા (નંગ-૦1)
* પંચધાતુનો વ્યાસવાળો ગઠ્ઠો – ચક્ર (નંગ-૦1)
* સોનાનું પ્લેટિંગ ધરાવતો ચાંદીનો મુગટ (નંગ-૦1)
* અમેરિકન ડાયમંડની માળા
* ગુનામાં વપરાયેલી બજાજ 220 પલ્સર મોટરસાયકલ
* ગુના દરમિયાન એકબીજાના સંપર્કમાં રહેવા માટે વપરાયેલા 3 મોબાઈલ ફોન
આ પ્રશંસનીય સફળતા મેળવવામાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી, ડી.જે.ચુડાસમા, આર.એસ.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.યાદવ અને એ.જે.રાઠવા સહિત ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ પંકજકુમાર, શક્તિસિંહ, વિક્રમસિંહ, જામસિંહ, મુન્નાભાઇ, હરીશભાઇ, દેવેન્દ્રકુમાર, જયરાજસિંહ, ઉદયસિંહ, વનરાજસિંહ, ઇબ્રાહીમભાઇ, કિશોરભાઇ, જયદીપભાઇ અને નિધિબેને મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે તેમને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.