મારામારીનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ, ઈજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો
વડોદરા, તા. 26
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક જ પક્ષ સાથે સંકળાયેલા બે જૂથો વચ્ચે થયેલી અથડામણમા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. ઘટનામાં એક યુવક પર કોઈ હથિયાર વડે જીવલેણ હૂમલો કરાતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અથવા આંતરિક વિવાદને લઈને અથડામણ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે તેમજ વાયરલ વીડિયોના આધારે સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.