મમતા બેનર્જીના નિવાસ સ્થાનેથી બેરિકેડ્સ હટાવવામાં આવ્યા, અભિષેકના ઓફિસની સુરક્ષા પણ પરત ખેંચાઈ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાલ મોટી હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સત્તા પરિવર્તનની લહેર વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાન અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીની ઓફિસની સુરક્ષામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જીના ઘરની સુરક્ષામાં ઘટાડો: મમતા બેનર્જીના કોલકાતા સ્થિત ’30બી હરીશ ચેટર્જી સ્ટ્રીટ’ નિવાસસ્થાનની આસપાસથી પોલીસ દ્વારા સ્માર્ટ બેરિકેડ્સ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી આ વિસ્તાર ‘હાઈ-સિક્યોરિટી ઝોન’ ગણવામાં આવતો હતો, જ્યાં સામાન્ય લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ હતો અને સ્થાનિકોએ પણ ઓળખપત્ર બતાવવું પડતું હતું. જોકે, હવે આ પ્રતિબંધો હળવા કરી દેવામાં આવ્યા છે. સ્થળ પર હાજર પોલીસ ના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને સુરક્ષા વ્યવસ્થાની નવી સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, ત્યાં પોલીસ ચોકી હજુ કાર્યરત છે, પરંતુ સુરક્ષાકર્મીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
અભિષેક બેનર્જીની ઓફિસથી સુરક્ષા પરત ખેંચાઈ
માત્ર મમતા બેનર્જી જ નહીં, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી નેતા અને સાંસદ અભિષેક બેનર્જીની કેમેક સ્ટ્રીટ સ્થિત ઓફિસની સુરક્ષા પણ હટાવી લેવામાં આવી છે. આ ઓફિસ પક્ષની તમામ મહત્વની ગતિવિધિઓનું કેન્દ્ર હતી. એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે ત્યાં તૈનાત સુરક્ષા દળોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.
અન્ય દિગ્ગજ નેતાઓની સુરક્ષાની પણ થશે સમીક્ષા
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા પોલીસ હવે ટીએમસી સરકારના અન્ય પૂર્વ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓની સુરક્ષાની પણ સમીક્ષા કરી રહી છે. આ યાદીમાં ફિરહાદ હકીમ, અરૂપ વિશ્વાસ અને સુજીત બોસ જેવા મોટા નામો સામેલ છે. આગામી દિવસોમાં આ નેતાઓની સુરક્ષામાં પણ મોટો કાપ મુકાય તેવી શક્યતા છે.
રાજકીય માહોલમાં ગરમાવો
ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડતા અને ભાજપની જીત બાદ બંગાળમાં ઠેર-ઠેર હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. બીજી તરફ, મમતા બેનર્જીના ઘરની બહાર ભાજપ સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ છે. આ બદલાતી સુરક્ષા વ્યવસ્થા રાજ્યમાં નવી રાજકીય વ્યવસ્થા તરફ ઈશારો કરી રહી છે.