Sports

પ્લેઓફ રેસમાં મોટો ઝટકો? દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી, CSKનો દબદબો

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. પ્લેઑફની રેસને ધ્યાનમાં રાખીને આ મુકાબલો બંને ટીમ માટે ખુબ જ અગત્યનો છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ શરૂઆતથી જ ટીમ દબાણમાં આવી ગઈ. દિલ્લીની ઇનિંગ સારી રીતે શરૂ થઈ નહોતી. ઓપનર પથુમ નિસાંકાએ થોડી ઝડપથી રન બનાવવાની કોશિશ કરી અને પહેલી ઓવરમાં બે ચોગ્ગા મારીને 8 રન બનાવ્યા. પરંતુ તે વધુ સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં અને મુકેશ ચૌધરીએ તેને 19 રન પર આઉટ કરી દીધો. આ પહેલી વિકેટ પછી દિલ્હીની મુશ્કેલી વધવા લાગી.

ત્યારબાદ કેએલ રાહુલ પણ મોટી ઇનિંગ રમી શક્યા નહીં. તેમણે આક્રમક શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ અકીલ હુસૈનની બોલિંગ સામે કેચ આઉટ થઈ ગયા. રાહુલ માત્ર 12 રન બનાવી શક્યા. ત્યાર પછી કરુણ નાયર ક્રિઝ પર આવ્યા, પરંતુ તેઓ પણ ખાસ અસરકારક રહ્યા નહીં. નૂર અહેમદે તેમને 13 રન પર આઉટ કરીને દિલ્હીની ત્રીજી વિકેટ ઝડપી. નીતિશ રાણા થોડો સમય સુધી ક્રિઝ પર ટક્યા અને ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ મોટી ઇનિંગ રમી શક્યા નહીં. નૂર અહેમદે જ તેમને 15 રન પર પેવેલિયન મોકલી દીધા. દિલ્હીની બેટિંગ લાઇનઅપ સતત તૂટતી રહી અને ટીમ પર દબાણ વધતું ગયું. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ટીમના કેપ્ટન અક્ષર પટેલ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા. ગુરજનપ્રીતના બોલ પર તેઓ કેચ આઉટ થયા અને દિલ્હીની પાંચમી વિકેટ પડી ગઈ. ટોપ ઓર્ડરના મોટાભાગના બેટ્સમેન ઝડપથી આઉટ થતા દિલ્હીની સ્થિતિ ખૂબ નબળી બની ગઈ. હાલમાં દિલ્હીની ટીમ માટે મોટી પાર્ટનરશિપ બનાવવી ખૂબ જ જરૂરી બની છે. જો મિડલ ક્રમના બેટ્સમેન ટકી શકે તો જ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકે છે. નહીં તો ટીમને ઓછા સ્કોર પર સંતોષ માનવો પડી શકે છે.

બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અકીલ હુસૈન અને નૂર અહેમદે મહત્વપૂર્ણ વિકેટો લઈને દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધી છે. બોલરો શરૂઆતથી જ સચોટ લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી રહ્યા છે, જેના કારણે બેટ્સમેનને રન બનાવવા મુશ્કેલી પડી રહી છે. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો CSKનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈએ 20 જીત મેળવી છે, જ્યારે દિલ્હીએ 12 મેચ જીતી છે. આ આંકડા પણ બતાવે છે કે CSK આ મુકાબલામાં મજબૂત ટીમ છે. પોઇન્ટ્સ ટેબલમાં હાલ ચેન્નઈ છઠ્ઠા અને દિલ્હી સાતમા સ્થાને છે. બંને માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે, કારણ કે હાર થવાથી પ્લેઑફની રેસ વધુ મુશ્કેલ બની શકે છે.

અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે સારી માનવામાં આવે છે, પરંતુ આજે બોલરોનો દબદબો વધુ જોવા મળી રહ્યો છે. હવામાનની વાત કરીએ તો ગરમી અને થોડું વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી, એટલે મેચમાં વિક્ષેપ આવવાની સંભાવના ઓછી છે. દિલ્હીની ટીમ હાલ મુશ્કેલીમાં છે અને CSKનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. હવે આગળની ઇનિંગ કેવી રીતે આગળ વધે છે તે જ મેચનો પરિણામ નક્કી કરશે.

Most Popular

To Top