આદિજાતિ મહિલા અનામત પદ માટે ભાજપમાં નવા ચહેરાઓનો ઉદય
મીનાક્ષીબેનની બિનહરીફ જીત સામે અંકિતાબેનનો જંગી મતવિજય—હાઈકમાન્ડ સામે કઠિન પસંદગી
દાહોદ, તા. 4
દાહોદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગણિતમાં નવા સમીકરણો ઊભા કર્યા છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી ભાજપમાં નવા ચહેરાઓની અસરકારક એન્ટ્રી જોવા મળી રહી છે.
ભાજપે 20 બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે 14 અને અપક્ષોએ 2 બેઠકો મેળવતા વિપક્ષ પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ માટે મજબૂત નેતૃત્વની પસંદગી મહત્વપૂર્ણ બની છે.
પ્રમુખ પદની રેસમાં મીનાક્ષીબેન નિનામા અને અંકિતાબેન ભાભોર વચ્ચે કટોકટીની સ્પર્ધા જોવા મળી રહી છે. મીનાક્ષીબેન વોર્ડ નંબર 3માં બિનહરીફ વિજેતા બની કોંગ્રેસના ગઢમાં ભાજપને મજબૂત બનાવ્યું છે, જ્યારે અંકિતાબેન વોર્ડ નંબર 2માં 2644 મતોની લીડ સાથે વિજેતા બની લોકપ્રિયતા દર્શાવી છે.
હવે નજર હાઈકમાન્ડના નિર્ણય પર છે કે તે કોના પર વિશ્વાસ મૂકે છે. બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે પણ બારિયા, ધાનપુર અથવા લીમખેડા ઝોનમાંથી મહિલાની પસંદગી થવાની સંભાવના છે, જ્યાં ભાજપે 37 બેઠકો સાથે ક્લીન સ્વીપ કર્યું છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ