ગાંધીનગર,
ગુજરાતમાં ચાલુ વર્ષના સારા ચોમાસાના કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો સંતોષજનક સ્તરે પહોંચ્યો છે. 3 મે 2026ની સ્થિતિએ રાજ્યના તમામ મુખ્ય ડેમોમાં કુલ 59.75 ટકા એટલે કે આશરે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણી સંગ્રહિત થયું છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 9.04 ટકા વધુ છે.રાજ્યમાં આ વર્ષે સરેરાશ 128 ટકા જેટલો વરસાદ નોંધાતા પાણીની ઉપલબ્ધતા નોંધપાત્ર રીતે વધી છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 72.33 ટકા એટલે કે 2.41 લાખ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષ કરતાં 12.18 ટકા વધુ છે.
ઝોનવાર સ્થિતિ પર નજર કરીએ તો મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 59.52 ટકા પાણી સંગ્રહિત થયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા, સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ગત વર્ષ 3 મે 2025ની સ્થિતિની તુલનામાં આ વર્ષે તમામ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા વધી છે. તે સમયે રાજ્યમાં કુલ 50.71 ટકા એટલે કે 4.52 લાખ MCFT પાણી જળાશયોમાં સંગ્રહિત હતું. ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છમાં 33.61 ટકા પાણી ઉપલબ્ધ હતું.સચિવાલયના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા સતત મજબૂત બની રહી છે.