અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ ઈજનેરી માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. અમદાવાદ–વડોદરા રેલવે લાઇન પર કાર્યરત ટ્રૅક્સ ઉપર માત્ર 22 દિવસના ગાળામાં પાંચેય પ્રિકાસ્ટ-પ્રિસ્ટ્રેસ્ડ હેવી પોર્ટલ બીમ્સ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.આ લોન્ચિંગ કામગીરી 8, 13, 19, 24 અને 29 એપ્રિલ 2026ના રોજ સુચિત આયોજન સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ખાસ કરીને 8 એપ્રિલે લોન્ચ કરાયેલ સૌથી ભારે બીમનું વજન અંદાજે 1360 મેટ્રિક ટન હતું, જે કાર્યરત રેલવે ટ્રૅક્સ ઉપર અત્યાર સુધીના સૌથી ભારે લિફ્ટ્સમાંનું એક ગણાય છે. બાકીના બીમ્સનું વજન 1170 થી 1360 મેટ્રિક ટન વચ્ચે રહ્યું હતું, જેના કારણે આ કામગીરી અત્યંત જટિલ અને પડકારજનક બની હતી.
મણિનગર ખાતે બુલેટ ટ્રેનનું એલાઇનમેન્ટ અસ્તિત્વમાં રહેલા અમદાવાદ–વડોદરા અપ, ડાઉન અને થર્ડ લાઇન રેલવે ટ્રૅક્સને ઊંચાઈ પરથી ક્રોસ કરે છે. અહીં પિયર્સ વચ્ચેનું અંતર 30 થી 34 મીટર જેટલું હોવાથી મજબૂત સપોર્ટિંગ સ્ટ્રક્ચર તરીકે પોર્ટલ બીમ્સ જરૂરી બન્યા હતા. 34 મીટર લાંબા અને 5.5 મીટર x 4.5 મીટર ક્રોસ-સેક્શન ધરાવતા આ બીમ્સ વધારે સ્થિરતા અને ઓછું ડિફ્લેક્શન સુનિશ્ચિત કરે છે, જે સલામત અને ચોક્કસ ટ્રૅક એલાઇનમેન્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ કામગીરી દરમિયાન 2200 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ક્રોલર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય રેલવે ટ્રૅક્સ ઉપર પ્રથમ વખત ઉપયોગ થયો છે. દરેક પોર્ટલ બીમને માત્ર 3.5 કલાકમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે અગાઉના સમયગાળા કરતાં ઘણો ઓછો છે.મર્યાદિત જગ્યા, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન અને સતત ચાલુ રેલવે ટ્રાફિક જેવી પડકારજનક પરિસ્થિતિઓ છતાં, સમગ્ર કામગીરી ઉચ્ચ સ્તરની ચોકસાઈ, સલામતી અને ભારતીય રેલવે સાથે સંકલન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ સિદ્ધિ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ અને આધુનિક ઈજનેરી ક્ષમતાનું પ્રતિબિંબ છે.