સુરતઃ ઓલપાડ તાલુકાની અટોદરા ગ્રામ પંચાયતના સરપંચ પર ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપ વોર્ડની મહિલા સભ્ય દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઔદ્યોગિક એકમોને વિકાસ પરવાનગી આપવા લાંચ માંગવામાં આવતી હોવાનો ખુલ્લો આક્ષેપ વોર્ડ નં. 8ની મહિલા સભ્ય રઝીયાબીબી અબ્દુલસત્તાર મિરઝાએ કર્યો છે.
- વોર્ડની મહિલા સભ્યએ લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી
રઝીયા બીબી મિરઝાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદમાં લખ્યું કે, અટોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને વિકાસ પરવાનગી આપવા સરપંચ નજીર ગુલામ મુસ્તુફા મિરઝા દ્વારા 5થી 8 લાખની રકમની લાંચની માંગણી કરાતી હોવાની ગંભીર હકીકતો સામે આવી છે.
વિકાસ પરવાનગી માટે 12 લાખ માંગ્યા
ઠરાવ છતાં ગેરકાયદે વિલંબ કરાતો હોવાનો આક્ષેપ કરતા રઝીયા બીબીએ એક કિસ્સો ટાંકતા કહ્યું કે, એક ઔદ્યોગિક એકમ માટે જમીનના મૂળ માલિક પાસે 12 લાખ વિકાસ પરવાનગીના નામે માંગ્યા હતા. ઠરાવ પસાર કરાયા બાદ પણ બે મહિના સરપંચે ફાઈલ અટકાવી રાખી. રૂપિયાની લેવડદેવડ બાદ જ વિકાસ પરવાનગી અપાઈ હતી.
સોલાર યુનિટ માટે રૂપિયા લીધાની આશંકા
બીજો કિસ્સો ટાંકતા રઝીયા બીબીએ આક્ષેપ કર્યો કે પહલ સોલર યુનિટ 1 ખાતે સરપંચ દ્વારા લાખો રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ કરાઈ હોવાની મજબૂત શંકા છે. આ ઘટના વિકાસ પરવાનગી સાથે સીધી સંકળાયેલી છે.
આકારણી પ્રક્રિયામાં ઈરાદાપૂર્વક ગેરરીતિ
ઘણા ઔદ્યોગિક એકમો વર્ષોથી કાર્યરત હોવા છતાં સરપંચની મિલીભગતથી તેમની આકારણી પંચાયતના રેકોર્ડમાં નોંધવામાં આવતી નથી. અત્યંત ગંભીર બાબત એ છે કે વિકાસ પરવાનગી માટે સરપંચને લાખો રૂપિયા આપ્યા બાદ પણ ઔદ્યોગિક એકમોની આકારણી કરાતી નથી. તેથી વર્ષોથી વેરો ચૂકવ્યા વગર કાર્યરત રહે છે. અને પંચાયતને વેરા આવક ગુમાવવી પડે છે.
વેરા વસૂલાતમાં નિષ્ફળતા
અટોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલા ઔદ્યોગિક એકમોની આકારણી થઈ નથી તેમ છતાં ગ્રામ પંચાયતની રૂપિયા 1 કરોડથી વધુની વેરા વસૂલાત બાકી છે જે સ્પષ્ટ રીતે વહીવટી બેદરકારી તથા ભ્રષ્ટ્રાચાર તરફ ઈશારો કરે છે.
સરપંચ સામે કડક કાર્યવાહી કરવા માંગણી
વોર્ડના મહિલા સભ્યએ સરપંચ સામે કડક શિક્ષાત્કમ કાર્યવાહી કરવા માંગ કરી છે, વોર્ડ સભ્યએ લખ્યું છે કે તમામ ઔદ્યોગિક એકમોની તાત્કાલિક સ્થળ તપાસ કરાવાયા, જે ઔદ્યોગિક એકમો કાર્યરત હોવા છતાં આકારણી રજિસ્ટરમાં નોંધાયા નથી, તેમની સામે આકારણી કરી બાકી વેરાની વસૂલાત કરાય. વિકાસ પરવાનગી સંબંધિત તમામ ઠરાવ, ફાઈલ, નોંધણી તથા પ્રક્રિયાની વિશેષ તપાસ કરાવાય તેમજ વિકાસ પરવાનગી માટે ગેરકાયદે વહીવટ લીધા બાદ આકારણી ન કરવાના મામલે જવાબદાર સરપંચ સામે કાયદેસર ફોજદારી તથા વિભાગીય કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત સરપંચના પુત્ર સિહાબ નજીર મિરઝા પોતે જ સરપંચત તરીકે પંચાયતનો વહીવટ કરે છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવે.