Vadodara

વડોદરા : મહિલા હેડ કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

લેખિત પરીક્ષાનું મટીરીયલ લેવા ગયેલા પોલીસ મિત્રે દરવાજો તોડી જોતા મહિલા કર્મી લટકતા હતા

વડોદરા તારીખ 5
કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય હેડ કોન્સ્ટેબલ મહિલા કર્મચારીએ પોતાના રૂમમાં અગમ્ય કારણોસર પંખા સાથે ઓઢણીનો ગાળિયો બનાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મહિલા કર્મચારીએ તાજેતરમાં જ પી.એસ.આઇ ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી હતી. લેખિત પરીક્ષાના મટીરીયલ લેવા માટે પોલીસ મિત્ર ત્યાં ગઈ હતી ત્યારે દરવાજો નહીં ખુલતા ઘટના બાબતે જાણ થઈ હતી. બાપોદ પોલીસે લાશને નીચે ઉતારી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી શિવાનંદ સોસાયટીમાં રહેતી અને કપૂરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં જ મૃતક પ્રિયંકા પ્રજાપતિએ પીએસઆઇની ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષાની તૈયારી માટે 10 દિવસની રજા પર ઉતર્યા હતા. ત્યારે ધૂળેટીની રાત્રીનાં સમયે લગભગ 11થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક મિત્ર ગઈ હતી. એક પોલીસ મિત્રે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો અને દરવાજો ખોલતા ન હતા. જેથી દરવાજો તોડી અંદર જોયું તો પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક પ્રિયંકા પ્રજાપતિનો મૃતદેહ પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમબાદ મૃતક પ્રિયંકા પ્રજાપતિના મૃતદેહને સાથી પોલીસ કર્મચારીઓએ ફૂલહાર કરી વિદાય આપી હતી. સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જોકે મહિલા પોલીસ કર્મચારીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેની ચોક્કસ માહીતી મેળવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે.

Most Popular

To Top