વડોદરા: બરોડા ડેરીની આગામી ચૂંટણીને પગલે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન દિનુમામા (દિનેશ પટેલ) એ તેમના પ્રતિસ્પર્ધી ભાસ્કર પટેલ સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં દિનુમામાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભાસ્કર પટેલે તેમના પર જે પણ આક્ષેપો કર્યા છે, તે સાચા સાબિત કરી બતાવે, અન્યથા તેઓ 25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે.
દિનુમામાએ ભાસ્કર પટેલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “મારા પર જેટલા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ સાચા પુરવાર કરી બતાવો. જો તેઓ આ આક્ષેપો સાબિત નહીં કરી શકે, તો હું તેમના પર ૨૫ કરોડનો બદનક્ષીનો દાવો માંડીશ.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હવે કોઈ પણ પ્રકારની ખોટી ટીકા સહન કરવાના મૂડમાં નથી.