ગ્રામજનોનો હોબાળો, વિદ્યાર્થીઓને શાળા ખાલી કરાવી પંચાયત રૂમમાં બેસાડ્યા
તાલુકાના શિક્ષણ તંત્રને લાંછનરૂપ ઘટના
(પ્રતિનિધિ) સાવલી
સાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પર દારૂ પી ને શાળામાં આવવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરતાં સમગ્ર તાલુકાના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી તાલુકાનું પ્રાથમિક શિક્ષણ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લામડાપુરા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રકાશ રાઠવા વિરુદ્ધ ગ્રામજનોએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ મુખ્ય શિક્ષક દારૂ પીને શાળામાં આવતા હતા. આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા સંકુલની સફાઈ, બાળકોની સ્કોલરશીપની દરખાસ્તોમાં ઉદાસીનતા સહિતના મુદ્દાઓને લઈ લાંબા સમયથી નારાજગી ચાલી રહી હતી.

આક્ષેપોનો કોઈ નિકાલ ન આવતા ગ્રામજનોએ શાળામાં પહોંચી વિદ્યાર્થીઓને બહાર કાઢી દીધા હતા અને તેમના બાળકોને તાત્કાલિક રીતે ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ માટે બેસાડ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ શાળાના મુખ્ય દ્વારને તાળું મારી દીધું હતું અને 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

ગ્રામજનો દ્વારા અગાઉ પણ શિક્ષણ વિભાગને મુખ્ય શિક્ષકની બદલી કરવા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં અંતે આ રોષભર્યો વિરોધ થયો હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં સમાજના અગ્રણીઓ અને મુખ્ય શિક્ષકના પરિવારજનો દ્વારા હવેથી મુખ્ય શિક્ષક લામડાપુરા શાળામાં ફરજ પર નહીં આવે તેવી ખાતરી આપવામાં આવતા મામલો સમાધાનના માર્ગે ગયો હતો.
આ સમગ્ર ઘટનાથી તાલુકાના પ્રાથમિક શિક્ષણની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે અને શિક્ષણ વિભાગની દેખરેખ સામે પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
રિપોર્ટર: વિમલ પટેલ