Vadodara

વિદ્યાર્થીઓ હવે કમ્પ્યુટર વિષયનો અદ્યતન અભ્યાસક્રમ ભણશે

ગુજરાત બોર્ડમાં 13 વર્ષ બાદ ધો.9–11નો કમ્પ્યુટર અભ્યાસક્રમ બદલાશે, નવી ટેકનોલોજી આધારિત પાઠ્યક્રમ અમલમાં આવશે
(પ્રતિનિધિ) વડોદરા | તા.29 :
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક સુધારો થવા જઈ રહ્યો છે. 13 વર્ષ બાદ હવે ધોરણ 9 અને 11માં કમ્પ્યુટર વિષયનો નવો અને અદ્યતન અભ્યાસક્રમ અમલમાં આવશે. નવી ટેકનોલોજીના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસક્રમને આગામી શૈક્ષણિક વર્ષ 2026–27થી લાગુ કરવામાં આવશે. ત્યારબાદ 2027–28થી ધોરણ 10 અને 12માં પણ નવો કમ્પ્યુટર અભ્યાસક્રમ અમલમાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2013–14 દરમિયાન ધોરણ 9થી 12 માટે “કમ્પ્યુટર અધ્યયન” નામે અભ્યાસક્રમ અમલમાં મૂકાયો હતો. જોકે ત્યારપછી ટેકનોલોજીમાં મોટા ફેરફારો થયા હોવા છતાં, અભ્યાસક્રમમાં લાંબા સમય સુધી કોઈ નોંધપાત્ર અપડેટ ન થતા વિદ્યાર્થીઓ જૂની ટેકનોલોજી સુધી મર્યાદિત રહ્યા હતા.
5Gના યુગમાં પણ વિદ્યાર્થીઓને 3G ટેકનોલોજી, Linux, HTML, C++, LaTeX જેવી જૂની બાબતો ભણાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સામાન્ય રીતે 7–8 વર્ષમાં અભ્યાસક્રમ અપડેટ થવો જોઈએ, પરંતુ કમ્પ્યુટર જેવા વિષયમાં 13 વર્ષ સુધી ફેરફાર ન થવાથી આ મુદ્દો ગંભીર બન્યો હતો. રજૂઆતો બાદ હવે આખરે બોર્ડ દ્વારા નવી દિશામાં પગલું લેવામાં આવ્યું છે.
નવો અભ્યાસક્રમ હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ બેસાડી શકે.

નવા કમ્પ્યુટર અભ્યાસક્રમમાં સામેલ થનારા મુખ્ય વિષયો
છેલ્લા એક દાયકામાં ટેકનોલોજી ક્ષેત્રે આવેલા મોટા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને નવા અભ્યાસક્રમમાં નીચેના વિષયોનો સમાવેશ કરવામાં આવશે :
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)
મશીન લર્નિંગ
સાયબર સિક્યુરિટી
ડેટા એનાલિટિક્સ
ક્લાઉડ કમ્પ્યુટિંગ
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)
રોબોટિક્સ
આ વિષયો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી કૌશલ્ય મળશે અને રોજગારક્ષમતા વધશે.


2026–27થી 28 નવા પુસ્તકો અમલમાં આવશે
શૈક્ષણિક વર્ષ 2026–27થી ધોરણ 1થી 11 સુધીમાં કુલ 28 જેટલા નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવશે. તેમાં
ધો.2 : ગુજરાતી
ધો.3 : પર્યાવરણ, ગણિત
ધો.6 : ગણિત, સામાજિક વિજ્ઞાન
ધો.7 : અંગ્રેજી
ધો.8 : મરાઠી, શ્રીમદ ભગવદ ગીતા સિદ્ધાંતો, સંસ્કૃત માધ્યમના પુસ્તકો
ધો.9 અને 11 : કમ્પ્યુટર વિષયના નવા પુસ્તકો
નો સમાવેશ થાય છે.
👉 આ બદલાવથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ બેસાડવાની તક મળશે અને શિક્ષણ વધુ વ્યવહારુ તથા સમયાનુકૂળ બનશે.

Most Popular

To Top