નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) ડબલ મર્ડરની (Double murder) એક ઘટના સામે આવી હતી. શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના વજીરપુર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી (Wazirpur Industrial Area) બે મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે ત્રણ લોકો આવ્યા હતા. તેમજ ત્રણ પૈકી બે લોકોને ઘટનાસ્થળે જ ઢોર માર મારવામાં આવ્યો હતો.
ડબલ મર્ડરની આ ઘટના અશોક વિહાર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. જેમાં અનુજ ઉર્ફે ઇલાને મારવા માટે ગઇકાલે મોડી રાત્રે 3 ઇસમો આવ્યા હતા. તેમજ હત્યાના ઇરાદે આવેલા ત્રણ પૈકી બે જણાને ઘટનાસ્થળે હાજર લોકોએ ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ઘટનાની માહિતી મળતા જ પોલીસે ડબલ મર્ડર કેસની તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ડબલ મર્ડર પાછળનું કારણ પરસ્પર દુશ્મનાવટ હતી. આ સાથે જ પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે.
પોલીસ સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા
ડબલ મર્ડરની ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ સ્થાનિક લોકોના નિવેદનો નોંધી રહી છે. આ સાથે મૃતકના પરિજનોના નિવેદન નોંધ્યા બાદ તેઓ આરોપીઓને શોધવા લાગ્યા હતા. આ મામલે પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસ ટીમનું એમ પણ કહેવું છે કે આ ઘટના કોઈ જૂની અદાવતના કારણે થઈ હતી.
દિલ્હીમાં ફાયરિંગની ઘટનામાં યુવકનું મોત
આ સાથે જ તાજેતરમાં પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ આઉટલેટની અંદર 26 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બર્ગર કિંગ આઉટલેટમાં થયેલી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેમજ મૃતકની ઓળખ અમન નામના યુવક તરીકે થઈ હતી.
આ ઘટનામાં પાછળ બેઠેલા બે લોકોએ તેમની પિસ્તોલ કાઢી અને અમનને ગોળી મારી દીધી હતી. સીસીટીવીમાં જોઇ શકાય છે કે અમન આઉટલેટમાં એક છોકરી સાથે બેઠો હતો. યુવતી અમનને તેના ફોનમાં એક તસવીર બતાવી રહી હતી. ત્યારે અમનની પાછળ બેઠેલા બે લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને અમનને પાછળ ગોળી મારી દીધી હતી. આ ઘટના ગુરુવારે રાત્રે 9.41 કલાકે બની હતી.