Comments

રિહાન્ના વટ પાડી ગઈ

પ્રેમ એટલે એવી લપ, કે ઊંધે માથે પટકાય ત્યારે જ સમજાય કે, આ ધંધો નહિ કર્યો હોત તો સારું થાત..! ઝેરી પણ ખરો ને નશીલો પણ..! ફેર એટલો કે, પ્રેમનો નશો જોરમાં ચઢે, ને ઝેર ધીમું ધીમું..! ભાગ્યે જ કોઈ એવો ગુણવંતી ગુણીજન હોય કે, જે પ્રેમના લફરામાં ભેરવાયો ના હોય..! એક ભાઈને પૂછ્યું, ‘લવ મેરેજ શ્રેષ્ઠ કે એરેન્જ મેરેજ..?’મને કહે, ૧૫૦ ટકા લવ મેરેજ..! એટલા માટે કે એમાં ખાતરી તો હોય કે, જેને લવ કર્યો છે, એ જ આવવાની છે. એરેન્જ મેરેજમાં ગેરંટી નહિ, બીજા કોઈની પણ આવી જાય..!

આલોમ-વિલોમ ગમે એટલા કરો, ઈચ્છાઓ સખણી રહેતી નથી. પ્રેમમાં ક્યાં ઉમરને બાધ હોય છે..? દિલ જલતા હૈ તો જલને દો..! બ્દિરેકવાળું ગાલ્લું પણ હાંકી નાંખે..! અવળી દિશામાં ઘસડાવા માંડે, ત્યારે ખૂણે ધબકતું હૃદય પણ, નમાલું બને. એ બિચારું ચિહાડા પાડવા સિવાય, ઉખેડી પણ શું શકે..? પકડદાવ એ લોકો રમે ને, હુમલા હૃદયને આવે.! ‘પણ દિલ લગા ગધીસે તો….! ( શીઈઈઈટ..! બધું મારે જ બોલવાનું..? તમારે કંઈ નહિ સમજવાનું..?)

 પ્રેમ એ હૃદયની ગુપ્ત ખંજવાળ છે, પગમાં કપાસી હોય તો પણ ચાલમાં આખેઆખો દેવાનંદ ઘુસી ગયો હોય..! આવી ચાલવાળા ભટકાય તો માનવું કે, પ્રેમની ફોડચી કઈડી ગયેલી છે..! તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બધું ગુપચુપ ગુપચુપ જ ચાલતું હોય..! આગળ જતાં, ઉલાળા ને ઉકાળા થવાના એ પાક્કું..! ચમનિયાને અનેક વાર કહ્યું કે, પાકટ ઉંમરે પ્રેમના ઝંડા ફરકાવવા સારા નહિ.પણ આખેઆખો શક્તિમાનને ચાવી ગયો હોય એમ, કહે કે ‘દિલ તો અભી જવાન હૈ..!’તારા કપાળમાં કાંદા ફોડું..!

 એની જાતને..! ચમનિયાની પ્રેમ-લીલા જાણવા જેવી છે દાદૂ..! એની વાઈફનું નામ રમીલા, પણ જ્યારથી વિશ્વની મહાન પોપ સિંગર ‘રિહાન્ના’જામનગર આવી ગઈ અને તેને જોઈ ત્યારથી, એવી જુવાની ભરાઈ ગઈ કે, સૂકા બાવળમાં પણ કૂંપળ ફૂટી..! એટલી ભાવી ગઈ કે, રમીલાને પણ એ હવે ‘રીહું’કે રિહાન્નાથી બોલાવે છે બોલ્લો..! તાંબા-પિત્તળના વાસણને ક્લાઈ કરાવી હોય એમ ચમનિયામાં ચમક આવી ગઈ..!

ઘણાને તો સમય કરતાં વહેલાં ઘરડા થઇ ગયા નો વસવસો પણ થયો. આ તો એક હસવા હસાવવાની વાત..! બાકી ઉંદરડું દારુ પીઈ ગયું હોય એમ, અમારો ચમનિયો પણ રિહાન્નાને જોઇને લાલ ટામેટા જેવો થઇ ગયો. રિહાન્નાને જોઈ ત્યારથી, શરીરનું એલાઈમેન્ટ ખોરવાઈ ગયું! લોકોએ રિહાન્નાના વોલપીસ ખરીદ્યા, ત્યારે ચમનિયાએ રિહાન્નાનો ફોટો ખરીદી ‘વોલેટ’માં રાખ્યો. એક બાજુ રમીલાને મૂકી, બીજી બાજુ રિહાન્ના..! મને કહે, સુખના દિવસ હોય ત્યારે રિહાન્નાને જોઉં ને દુખ લાધે તો રમીલાનાં દર્શન કરું..!

 જ્યારથી રિહાન્ના જામનગરમાં આવી, ત્યારથી જામનગરનું હવામાન અંબેલાલની હવામાનની આગાહીને પણ ધોઈને પી ગયું. ચારેયકોર ‘રોઝી-રોઝી’થઇ ગયું. લોકો ભલે જામનગરને સૌરાષ્ટ્રનું ‘પેરીસ’કે ‘છોટા કાશી’કહેતા હોય, પણ ‘અનંત-રાધિકાનો પ્રિ વેડિંગનો જલસો જેટલા દિવસ ચાલ્યો, એટલા દિવસ સુધી, જામનગર છોટા હોલીવુડ-બોલીવુડ-ઢોલીવુડ ને ટેલીવુડમાં કન્વર્ટ થઇ ગયું..! શિયાળો બેસે ને પરદેશી પંખીડાંઓને જામનગરનું તળાવ દેખાવા માંડે એમ, જલસો ચાલ્યો એટલા દિવસ, દેશી/પરદેશી અનેક ખ્યાતનામ હસ્તીઓએ જામનગરની (કાયા નહિ..)માયા-પલટ કરી નાંખી. ધબધબાટી બોલાવી દીધી. અત્યારે તો બધું જ સમેટાઈ ગયું, જામ-બ્રેડ’માંથી, “જામ-જામ” ચવાઈ ગયો ને બ્રેડ રહી ગયા હોય એમ, ‘જામ’વગરનું નગર રહી ગયું.

 એ કોણ બોલ્યું કે, આ રિહાન્ના છે કોણ..? મને લાગે બોલનારની ભૂગોળમાં ભલે મંકોડા ફરી વળ્યા હોય, પણ જનરલ નોલેજમાં પણ ભમરડો ફરી ગયો લાગે..! રિહાન્નાનું મૂળ નામ ‘રોબીન રિહાન્ના ફેન્ટી..! (આમાં અટક કઈ ને ફાધરનું નામ કયું, એવા અઘરા સવાલ તો પૂછતાં જ નહિ..! ઉથલપાથલ થઇ જશે..!) એટલી જ ખબર કે, માત્ર ૩૩ વર્ષની ઉમરે દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર તરીકે, આજે પણ વિશ્વમાં એમનો ડંકો વાગે છે..! અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં એવો ભમ્મ-ભમ્મ નજારો કરી ગઈ, કે એના ભણકારા હજી શમ્યા નથી.

એક ગુજરાતી પાસેથી ૭૨ કરોડ ઉલેચી ગઈ, એના ઉપરથી મગજના ઘોડા દોડાવો કે એના ડેન્સમાં કેટલો દમ હશે..? દેશ-વિદેશથી આવી તો અનેક મહાન હસ્તીઓ આ ઇવેન્ટમાં આવેલી. બધાનાં નામ લખવા બેસું તો, હાસ્યલેખને બદલે વસ્તીગણતરીનું પત્રક બનાવ્યું હોય એવું લાગે..! અમુક વિદેશીનાં નામ તો એવાં ગૂંચવાયેલી જલેબી જેવા કે, નામમાં પરફેક્શન લાવવા માટે, હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે. નહિ તો, બાપ દીકરા ને અટકમાં અટવાઈ જવાય..! ક્ષતિદોષ થાય તો માફ કોણ કરે..?

 પઅઅઅણ..ચમનિયાને એક વાતનો અફસોસ રહી ગયો. કોઈનું આમંત્રણ હોય કે ના હોય, પહેલી પંગતમાં બેસીને ઝાપટી આવવાની કુનેહમાં બહુ પાવરધો. બાથરૂમ સિગર પણ ખરો. તેથી કંઈ મહાન હસ્તીની યાદીમાં થોડો આવે? પૈણવા માટે પીઠી ચોળીને બેઠો હોય એમ, ચમનિયાને આશા હતી કે, મુકાભાઈ મારા જેવી હસ્તીને ‘ઇવેન્ટ’માં હાજર રહેવા આમંત્રણ આપશે. પણ પપલુ થઇ ગયું. મને કહે, ‘મને આમંત્રણ નહિ આપીને આ લોકોએ મોટી ભૂલ કરી છે..! ક્યાં તો આમંત્રણ પત્રિકા ખૂટી, ક્યાં તો ખરા ટાંકણે રિલાઈન્સના ફોનમાં ‘ગડબડી’આવી, બાકી બંદાને આમંત્રણ આપવામાં ચૂકે નહિ..! આ લોકોને મારી ગેરહાજરી ભરપૂર સાલી હશે..! ઘણાએ પૂછ્યું પણ ખરું કે,‘ચમનભાઈ અંબાણી પરિવારના ઇવેન્ટમાં તમે ઝાપટવા ગયા નહિ..? તો કહે, “મને મારા ખાનદાનની પરંપરા નડી. મેં મારા લગન વખતે, જીયો સીમ કાર્ડના કાયમી ગ્રાહકના સંબંધે, અંબાણી પરિવાર ને લગ્નપત્રિકા મોકલેલી, પણ એમણે વ્યવહાર નહિ સાચવ્યો..!

મારા લગન વખતે સવા રૂપિયાનો ચાંદલો પણ નહિ આવ્યો..! તમે જ કહો, જે આપણા પ્રસંગમાં આવ્યા જ ના હોય, એમના પ્રસંગમાં આપણાથી પગલાં પડાય..? સંબંધ સુધારવા જ હોત તો, પત્રિકા ભલે ખૂટી ગઈ હોય, મને ફોન તો થાત ને..? જીયોના ફોર્મમાં મારો નંબર તો હતો. પણ મુકાભાઈએ મારી સાથે વ્યવહાર કાપી નાંખ્યો..! મારા જેવી મહાન હસ્તી એમના ઈવેન્ટમાં નહિ ગઈ. છાપાવાળાએ ભલે નોંધ નહિ લીધી હોય, પણ મોટી ખોટ વિશ્વની મહાન પોપ સિંગર રિહાન્નાને ગઈ..! રિહાન્ના મારી સાથે ‘સેલ્ફી’લેવાનું ચૂકી..! મારી સાથે ‘સેલ્ફી’ખેંચાવી હોત તો, એની પબ્લીસીટી ઔર વધી હોત. દશેક કરોડનો ચાર્જ તો ચપટીમાં વધી ગયો હોત..! આપણી એટલી બોલબાલા છે દાદૂ..!. તારા કપાળમાં કાંદા ફોડું..!

 પેટછૂટી વાત કરું તો, રિહાન્ના વટ્ટ તો પાડી ગઈ, ને સૌની આંખમાં વસી પણ ગઈ. ચમનિયાના તો તાળવે ચોંટી ગઈ. રિહાન્નાના સ્વપ્નાંઓ ફ્લાઈટ પકડીને ચમનિયાના ઘરે આવ-જા કરતા, એવી ચમનિયો ડંફાસ પણ મારતો..!ક્યાં એની રમીલા ને ક્યાં વિશ્વની મહાન પોપ સિંગર રિહાન્ના..? એક પોપ સિંગર ને બીજી કિચન-સિંગર..! પણ પ્રેમ બૂરી ચીજ હૈ મામૂ..! દાનત આગળ હાલત વામણી બની જાય, તે આનું નામ..! ખુદની વાત કરું તો, હું રહ્યો અંગ્રેજના જમાનાની પ્રોડક્ટ..! જ્યારે રિહાન્નાને ધરતી ઉપર આવવાનો વિઝા ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ મળેલો. મારા કરતાં ૪૦ વર્ષ મોડી પડેલી, છતાં, એ બાબેડીયન રેકોર્ડીંગ આર્ટીસ્ટ બની, ને હું હજી કોમેડિયન આર્ટીસ્ટમાં ગોથાં ખાઉં છું..! એ એક ઇવેન્ટના ૭૨ કરોડ કમાય છે, ને હું રોડ ઉપર છું. વ્યાજના હપ્તા ભરું છું..! એની પાસે ૧.૯ અબજ ડોલરની સંપત્તિ છે, ને મારી પાસે છોટી-છોટી સંતતિ છે…!

ભંગારવાળો પણ મને જોઇને ડરે કે, રખે ને રેંકડીનો ભંગાર ઊંચકી ગયો તો..? એવી જાહોજલાલી..! પછી ચચરે તો ખરું જ ને બોસ..? આ તો હસવા હસાવવાની એક વાત..! બાકી અનંત-રીહાનાનો જલસો પડદે જોયા પછી, વાઈફ શૈલી પણ બળીને બેવડ તો વળેલી..! મને કહે,’આપણે કરેલા તે વેલ્ડીંગ કહેવાય, ને આ લોકોના થયા તે વેડિંગ..! તમને તો જાનમાં લાવવાનો ઢોલી પણ નહિ મળેલો.

મુકાભાઈને જુઓ, એમના દીકરાના વેડિંગમાં વિશ્વની મહાન પોપ સિંગર ‘રિહાન્ના’ને વિદેશથી બોલાવી. આને ધામધૂમ કહેવાય..! ઇવેન્ટમાં આવેલી રૂપસુંદરીઓ કેવા ઝમકદાર ઝભલા પહેરીને ‘સેલ્ફી’ઓ ખેંચાવતી હતી? ને અમારે તો આંઠ વારના દેશી લૂગડામાં જ લટકા કરીને, ઝાડની ઓથ પકડી સેલ્ફીઓ લેવાની..! વાતમાં દમ તો ખરો, પણ એને કેમ સમજાવું કે, મુકાભાઈ ધીરજભાઈનાં ફળ હતાં. ધીરજનાં ફળ મીઠાં જ હોય..! ત્યારે અમે રહ્યા મગનભાઈનાં ફળ..! એમાં એમના જેવા વઘાર નહિ થાય..! લગન એક એવું ફળ છે કે, એ પાકે પછી જ ખબર પડે કે, સ્વાદમાં કેવું છે…!

લાસ્ટ ધ બોલ
અથાણું ખાવ અને બરફીનો સ્વાદ આવે, એનું નામ લગન..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top