નિર્વિઘ્ને કાર્યની સફળતા માટે આપણાં સમાજમાં સૌ પ્રથમ ગણપતિની પુજા કરવામાં આવે છે અને માટે જ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક દેશભરમાં 10 દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે સમયાંતરે ઉજવણીમાં ફેરફારો જરૂર થયા છે પણ ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. આજની વ્યસ્ત દિનચર્યામાથી પણ લોકો વિધ્નહર્તાની પુજા અર્ચના તો કરે જ છે પરંતુ તેમની વિદાયમાં પણ કોઈ કસર છોડતા નથી. ઉત્સવ પ્રિય સુરતીઓ ધાર્મિક હોવા સાથે મોજ-મજા કરવામાં પણ પાછળ નથી પડતા. અનંત ચતુર્દશી ધામધૂમથી ઉજવવાની પ્રથા દાયકાઓ જુની છે. વર્ષો પહેલા કે આપણે એક દાયકા પહેલાની વાત કરીએ તો પહેલા DJ, એક સરખા કપડા, ફેન્સી મૂર્તિઓ વિ.નો ટ્રેન્ડ જોવા મળતો. બદલાતા સમય સાથે અને નવી પેઢીઓના આગમન સાથે દરેક વસ્તુમાં ટ્રેન્ડસ બદલાતા હોય છે તો ગણેશોત્સવ કેવી રીતે પાછળ રહે!! તો ચાલો આજે આપણે જાણીએ કે છેલ્લા કાયદા કે એની આગળ-પાછળના સમય દરમિયાન ગણેશોત્સવ તથા વિસર્જનના ટ્રેન્ડમાં શું ફેરફારો આવ્યા છે…
મૂર્તિ કરતા મંડપ ડેકોરેશન પાછળનો ખર્ચ વધ્યો
લગભગ દાયકા પહેલાં મોટી અને થીમ આધારિત આકર્ષક પ્રતિમાઓ બનાવવાનો ક્રેઝ હતો જેમકે શિવજી ના રૂપમાં ગણપતિ, સાઈ બાબાના રૂપમાં ગણપતિ વિ. મંડપ ડેકોરેશન પ્રત્યે ઠીક-ઠીક ધ્યાન અપાતું થયું બાદમાં મધ્યમ કદની મૂર્તિઓ બનાવવાનો ટ્રેન્ડ હતો પણ છેલ્લાં 7-8 વર્ષથી ગણેશ ઉત્સવમાં એ જોવા મળી રહ્યું છે કે મોટી મૂર્તિઓનો ક્રેઝ ઓછો થયો છે પણ ભવ્યાતિભવ્ય ઝાકમઝોળ વાળા મંડપ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો મોટા આયોજક મંડળ કરતા થયા છે. થીમ આધારિત મૂર્તિઓનો ક્રેઝ ઘટી ગયો છે પણ થીમ આધારિત મંડપ ધ્યાનાકર્ષક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. મોટા આયોજકો દ્વારા રામ મંદિરની થીમ પર, ભવ્ય રાજમહેલની થીમ પર, ખેલો ઇન્ડિયા, તાપી શુદ્ધિકરણ અભિયાન આદિ થીમ પર મંડપ તૈયાર કરાય છે. મોટા આયોજકો મંડપ પાછળ જ 10-12 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે નાના આયોજકો પણ એક-દોઢ લાખ રૂપિયાનો ખર્ચ મંડપ પાછળ કરે છે. છેલ્લાં બે વર્ષ કોરોનાને કારણે ફિકા રહ્યા હતાં હવે પાછી મોટી મૂર્તિઓ આ વખતે જોવા મળી છે સાથે જ મંડપ ડેકોરેશન પાછળ ધૂમ ખર્ચો કરાયો છે.
ઉજવણીના અવિભાજ્ય અંગ સમાન ડ્રેસ કોડ
ઘાર્મિક તહેવાર ઉજવવાની વાત હોય ત્યારે ખાસ કરીને લોકો પોતાની પાસે રહેલા પરંપરાગત આઉટફિટ્સ પહેરતા હોય છે પરંતુ ગણેશઉત્સવમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેસકોડની બોલબાલા જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષની વાત કરવામાં આવે તો ગણેશ ભક્તો દ્વારા પોતાની સમિતિના નામ સાથેના ટી શર્ટ તથા કુર્તા વગેરે બનાવડાવીને પહેરતા હતા, જેમાં ધીમે ધીમે મહિલાઓ પણ સામેલ થઈ અને પછી હવે આગળ જતાં કેટલીક અલગ અલગ થીમ ધરાવતા ડ્રેસ કોડનું ચલણ પણ ખાસ જોવા મળી રહ્યું છે. જેમાં લોકો કોઈ એક કલરના ડ્રેસથી લઈને મરાઠી, મારવાડી, પંજાબી, ગુજરાતી કે કોઈ અન્ય પ્રાંતની થીમ પસંદ કરીને ડ્રેસ ડિઝાઇન કરવામાં પણ કસર છોડતા નથી.
આગમન યાત્રાના ઇનવીટેશન કાર્ડનો નવો ટ્રેન્ડ
વર્ષો પહેલાં આગમન યાત્રા અને પંડાલમાં શ્રીજીના દર્શન માટે આમંત્રણ આપતા ઇનવીટેશન કાર્ડ નહોતા બનતા પણ હવે આ નવો ટ્રેન્ડ આવ્યો છે જેમાં ગણેશજીની આગમન યાત્રામાં પધારવા અને મંડપમાં ગણેશજીના દર્શન કરવા આશીર્વાદ મેળવવા આવવા માટે લોકોને ઇનવીટેશન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. મોટા આયોજકોએ આગમન યાત્રામાં ઇનવાઈટ કરવા અને ઘરે-ઘરે ગણેશજીની સ્થાપના કરનાર ભક્તો પોતાના સગા-સંબંધીને, મિત્રોને પાડોશીઓને પોતાના ઘરે ગણેશજીના દર્શન માટે આવવા ઈન્વાઇટ કરતા ઇન્વીટેશન કાર્ડ બનાવવા લાગ્યાં છે. ઈ-કાર્ડનું પણ ચલણ છે.
સેવાકીય સંસ્થાઓના સ્ટોલ પણ વધ્યા
વિસર્જન યાત્રા દરમિયાન વિસર્જન રૂટ પર સેવાકીય સંસ્થાઓ અને અમુક સોસાયટીઓના લોકો નાસ્તાના પાણી, છાશ, આઈસ્ક્રીમના સ્ટોલ રાખે છે, આવા સ્ટોલોનું પ્રમાણ પણ પહેલાં કરતા વધી ગયું છે. તેનું કારણ હવે વિવિધ સમાજના લોકો પણ આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા આગળ આવ્યા છે. મંદિર સાથે જોડાયેલા લોકો દ્વારા પણ નાસ્તા આપવામાં આવે છે. આવી લગભગ 100થી વધારે સંસ્થાઓની સંખ્યા વધી ગઈ છે.
સોસાયટીમાં જ વિસર્જનનું ચલણ વધ્યું
ગણપતિ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી બાદ વિસર્જન પ્રક્રિયાનો પણ એક અલગ જ લહાવો હોય છે. દસેક વર્ષો અગાઉની વાત કરીએ તો એ સમયમાં ગણેશ ભક્તો ડુમસના દરિયા કિનારે કે નદીઓના વિવિધ ઓવરાઓ પર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હતું જ્યારે હવે છેલ્લા પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક સોસાયટીના લોકો પોતાની સોસાયટીની પ્રતિમાનું સોસાયટીના ગાર્ડનમાં કુંડ કે હોજ બનાવીને તેનું ડેકોરેશન કરીને વિસર્જન કરવાનું પસંદ કરે છે અને આ પ્રતિમાની માટીનો ગાર્ડનમાં જ ઉપયોગ કરે છે. જ્યારે ઘરે જે લોકો ગણેશ સ્થાપના કરે છે તેઓ પોતાના ઘરે મોટા વાસણમાં કે કુંડમાં શ્રીજી ને વિદાય આપે છે.
કુત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જનનો ટ્રેન્ડ
પહેલાંની વાત કરીએ તો મૂર્તિ વિસર્જન ડુમસના દરિયામાં અને નદી તથા વિવિધ ઓવારા પર જઈને વિસર્જન કરાતું તે આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે મોટાભાગની મૂર્તિઓનું વિસર્જન સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા કુત્રિમ તળાવમાં થવા લાગ્યું છે. ડુમસના દરિયામાં મોટી મૂર્તિઓનું વિસર્જન થાય છે જ્યારે 5 ફિટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં જ થવા લાગ્યું છે. આ વખતે પણ સુરત મહાનગરપાલિકાએ વિસ્તાર પ્રમાણે 19 કુત્રિમ તળાવ બનાવ્યા છે. જેનો આશય છે કે નદીને ગંદકીથી બચાવી શકાય.
સેલ્ફ કાર વિસર્જન
નાના આયોજક મંડળ કે ઘરે ગણપતિની સ્થાપના કરતા ભક્તો દ્વારા પહેલાં પ્રતિમાના કદ પ્રમાણે નાના ટેમ્પામાં મોટી મૂર્તિ હોય તો ટ્રકમાં વિસર્જન યાત્રા પહેલાં કાઢવામાં આવતી પણ હવે ટ્રેન્ડ બદલાયો છે મૂર્તિ નાની બનવાની સાથે કારની ખુલ્લી ડીકીમાં વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. ખુલ્લી ડીકીમાં વિસર્જન યાત્રા કરનાર ભકતોની સંખ્યા છેલ્લાં થોડા વર્ષમાં વધી છે.
પહેલાં DJતો હવે ઢોલ-નગારાનો ક્રેઝ
સુરતમાં પણ હવે ગણેશ ઉત્સવમાં મહારાષ્ટ્રીયન કલચરની ઝલક જોવા મળે છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આગમન યાત્રામાં DJનો ક્રેઝ હતો. મહારાષ્ટ્રની જેમ સુરતમાં પણ આગમન યાત્રામાં ઢોલ-નગરાનો ક્રેઝ વધ્યો છે. સુરતના મોટા આયોજક મંડળ મુંબઈ, નાસિક, પુણેથી ઢોલપથકની ટીમને બોલાવે છે. આ ટિમ 50,60,100 જણાની હોય છે જેમાં 10 ટકા મહિલાઓ હોય છે આ ઢોલપથકને કારણે આગમન યાત્રાની શોભા વધે છે અને ઢોલ નગારા વાગતા હોવાને કારણે લોકો પણ તેને જોવા ઉભા રહી જાય છે. DJ પણ ઘણા આયોજક મંડળો મુંબઈથી મંગાવે છે. સુરતમાં આતશબાજીથી અને ડેકોરેટીવ લાઇટિંગથી આગમન યાત્રા ભવ્ય બનાવી છે.
મહિલાઓમાં વધ્યું ગણેશ ઉત્સવમાં ભાગ લેવાનું ચલણ
પહેલાનો સમય એવો હતો કે ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી તો થતી જ અને પુજા તથા આરતીમાં દરેક સામેલ થતાં પરંતુ ગણપતિની પ્રતિમા મંડપ સુધી લાવીને તેને સ્થાપિત કરવી અને બાદમાં વિસર્જન પ્રક્રિયા સુધીની જવાબદારી ખાસ કરીને પુરુષવર્ગ દ્વારા જ નિભાવવામાં આવતી હતી. સોસાયટી કે ઘરની મહિલાઓ ઉત્સવની તૈયારીમાં સક્રિય રહેતી પરંતુ હાલમાં જમાનાની સાથે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પગરણ માંડ્યા છે ત્યારે પહેલાના પ્રમાણ હવે ગણેશ પૂજામાં મહિલા વર્ગે પોતાની આગવી સ્ટાઈલ ઊભી કરી છે અને આગમન કે વિસર્જનના વરઘોડામાં ઘણી જગ્યાઓએ આજે પુરુષો સાથે મહિલાઓ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે જેમાં કેટલાક ગ્રુપ કે સોસાયટીઓમાં તો ફક્ત મહિલાઓ દ્વારા જ ગણપતિની મુર્તિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની જવાબદારી નિભાવવામાં આવે છે અને નાચતા ગાતા ભક્તિભાવ પૂર્વક ગણપતિની આરાધના કરવામાં પાછળ પડતી નથી.
ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ વધ્યો
આજથી થોડા વર્ષ પહેલાં POPની મૂર્તિઓનો ક્રેઝ હતો. પણ તેમાં તાપી શુદ્ધિકરણનો મુદ્દો ભુલાઇ જવાતો. લોકોએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને તાપી શુદ્ધિકરણ પ્રત્યે ગંભીરતા દાખવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના પ્રત્યે ઉત્સાહ દાખવી મોટાભાગે માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના પ્રત્યેનો રૂખ અપનાવ્યો છે. એવી પણ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે જેમાં અંદર વિભિન્ન છોડના બીજ હોય છે જે અંકુરિત થઈને છોડ બને છે આવા ગણપતિની સ્થાપનાનો ટ્રેન્ડ પર થોડાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. કેટલાંક લોકો ખાવાની વસ્તુઓમાં થી પણ ગણેશજીની પ્રતિમાઓ બનાવે છે.