SURAT

સુરત: કેરટેકરે બેરહેમીથી મારતા 8 મહિનાના બાળકને હેમરેજ થયું, સવા વર્ષે માંડ એક ડગલું ચાલી શક્યો

સુરત: સવા વર્ષ પહેલા રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દંપતિએ, પોતાના ગેરહાજરીમાં સંતાનોની સારસંભાળ માટે પગાર પર કેરટેકર રાખી હતી. કેરટેકરે જોડિયા બાળકોમાં પૈકી એક બાળક 8 મહિનાના નિર્વાણને માર મારતાં તેનું બ્રેઈન હેમરેજ થયું હતું. ઘરમાં લગાવેલા સ્પાય કેમેરા જોતાં તેમાં કેરટેકર નિર્વાણને માર મારતી દેખાતી હતી.

  • 8 મહિનાના બાળકને હવામાં ફંગોળી, પટકી માર મારતાં 3 બ્રેઈન હેમરેજથી બ્લાઈન્ડનેસ ઉપરાંત હાથ-પગની મુવમેન્ટ બંધ થઈ ગઈ હતી : કેરટેકરના મારથી ગંભીર બ્રેઈન હેમરેજનો શિકાર બનેલું બાળક ફિઝિયોથેરાપીથી ચાલતું થયું

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ પણ થયો હતો. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડો. રોશની પારેખે સવા વર્ષ સુધી અથાગ મહેનત કરીને તેને ચાલતા શીખવાડ્યું હતું. સવા વર્ષ બાદ બાળકમાં આટલો સુધારો જોવા મળ્યો છે. હવે બાળકે નોર્મલ થવાની દિશામાં પ્રથમ ડગલું માંડ્યું છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન બનેલા આ કિસ્સા વિશે ડો. રોશની પારેખ જણાવે છે કે, ‘4 ફેબ્રુઆરી 2022ના રોજ નિર્વાણને કેરટેકર દ્વારા ઉછાળીને અને ફંગોળીને માર મારવામાં આવતાં તેને માથાના ભાગે 3 બ્રેઈન હેમરેજ થયા હતા. આ બ્રેઈન હેમરેજ થવાના કારણે બાળક પૂર્ણ રીતે બ્લાઈન્ડ (અંધ) થઈ ગયો હતો અને તેના હાથ-પગની મૂવમેન્ટ પણ બંધ થઈ ગઈ હતી. ત્યારે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે આ દંપત્તિ બાળકને મારી પાસે ફિઝીયોથેરાપી કરવા લઈ આવી, ત્યારે મારા માટે પણ એને ચાલતાં શીખવાડવું એક પડકાર હતો.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘નિર્વાણ સાથે આ ઘટના બની તેના 1 મહિના બાદથી તેની ફિઝીયોથેરાપી શરૂ કરવામાં આવી હતી. ફિઝીયોથેરાપીમાં તેના માઈલ્ડ સ્ટોન્સ ડેવલપ કરવામાં આવ્યા હતાં. જેમ કે, પડખું ફેરવતાં જ શીખવાનું, બેસવાનું, બેસીને ઉભા થવાનું, ઉભા થઈને ધીમે-ધીમે વોકર થકી ચાલવાનું શીખવાડ્યું હતું. ફિઝીયોથેરાપી શરૂ કરવામાં આવી ત્યારે નિર્વાણ બ્લાઈન્ડ હોવાના કારણે તેને શીખવાડવામાં ઘણી તકલીફ પડી હતી. તે માત્ર મારા સ્પર્શ (ટચ) અને અવાજને જ ફોલો કરી શકતો હતો.’હજી બાળકને થોડો સમય લાગી શકે છે.

વ્યક્તિ ગુસ્સો કેરટેકરે નિર્વાણ પર ઉતાર્યો હતો
રાંદેરના પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 મહિનાના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢ્યો હતો. આ કેરટેકરે નિર્વાણને 5 મિનિટ સુધી પલંગ પર 4 થી 5 વાર પછાડી, કાન આમળી હવામાં ફંગોળી માર મારતાં નિર્વાણ બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ નિર્વાણને સારવાર માટે માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થવાના કારણે બ્રેઈન હેમરેજ થયાનું સામે આવ્યું હતું. આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં કેરટેકર વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસે આરોપી કેરટેકરની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને સજા પણ ફટકારી હતી.

Most Popular

To Top