Business

નોટબંધીના 6 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં કેટલો બદલાવ આવ્યો, જાણો….

નવી દિલ્હી: 8 નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ 2016નાં રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)એ અચાનક 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ (Demonetization) ની જાહેરાત કરી. નોટબંધીની જાહેરાત થતાની સાથે જ આ નિર્ણયને અડધી રાતથી લાગુ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને ઘણી સમસ્યાઓ પણ થઈ હતી.. આ સમસ્યાઓનો સામનો કર્યા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે આ 6 વર્ષ(Year)માં નોટબંધી પછી અર્થવ્યવસ્થા શું સુધારો થયો અને નોટબંધીના 6 વર્ષ પછી ભારતે (India) નાણાંનું સંચાલન કેવી રીતે કર્યું?

માત્ર 4 જ કલાકમાં 500 અને 1000ની નોટ અમાન્ય થઇ ગઈ
રાત્રે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. દેશવાસીઓને તો આ વાતની આશંકા પણ ન હતી કે આ રીતે અચાનક નોટબંધી લાગુ થશે. માત્ર ચાર કલાકમાં એટલે કે 12 વાગ્યાથી રૂ. 500 અને રૂ. 1,000 સંપૂર્ણપણે અમાન્ય થઈ ગયા. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાને નાબૂદ કરવાનો, નકલી નોટોને નાબૂદ કરવાનો અને “ઓછી રોકડ” અર્થતંત્ર બનાવવાનો હતો. દેશનું વાતાવરણ બદલાઈ ગયું હતું. બેંકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી.

નકલી નોટોમાં થયો આટલો વધારો
ફેબ્રુઆરી 2019માં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે નોટબંધીની મદદથી 1.3 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું રિકવર કરવામાં આવ્યું હતું. આ વર્ષના મે મહિનામાં આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં 2021-22માં નકલી ભારતીય ચલણી નોટોમાં 10.7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. 500 રૂપિયાની નકલી નોટોમાં 101.93 ટકા અને 2000 રૂપિયાની નકલી નોટોમાં 54 ટકાનો વધારો થયો છે.

ડિજિટલ વ્યવહારોમાં વધારો
ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો નાણાકીય વર્ષ 2016માં 11.26 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2022માં નોટબંધી પછી 80.4 ટકા થયો છે અને નાણાકીય વર્ષ 2027માં તે 88 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમજ UPI ટ્રાન્ઝેક્શન ઓક્ટોબરમાં રૂ. 12.11 લાખ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. UPI વોલ્યુમે ઓક્ટોબરમાં રેકોર્ડ 730 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા અને આ વર્ષે સમગ્ર ભારતમાં લગભગ 71 બિલિયન ડિજિટલ પેમેન્ટ્સ નોંધાયા હતા.

રોકડની હેરાફેરીમાં વધારો
આ વર્ષે 21 ઓક્ટોબર સુધી લોકો પાસે રોકડ રૂ. 30.88 લાખ કરોડની નવી ટોચે પહોંચી છે, જે નવેમ્બર 4, 2016માં રૂ. 17.7 લાખ કરોડ હતી. એટલે કે, નોટબંધી પછી દેશમાં રોકડ નાણાની હેરાફેરી અત્યાર સુધીમાં 71.84 ટકા વધી છે. આરબીઆઈના ડેટા અનુસાર, ડિજિટલ પેમેન્ટ સાથે પણ લોકો હજુ પણ રોકડનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. નોટબંધી બાદ 25 નવેમ્બર 2016 સુધી દેશમાં માત્ર 9.11 લાખ કરોડ રૂપિયા રોકડ હતી. હવે તેમાં 239 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે પીએમ મોદીના આ પગલાનો હેતુ ભારતને ‘લેસ કેશ’ અર્થતંત્ર બનાવવાનો હતો.

નોટબંધી પર ઘણા પ્રશ્નો ઉભા થયા
જ્યારે નોટબંધી અમલમાં આવી ત્યારે આ નિર્ણય પર વારંવાર સવાલ ઉઠ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે, અમે ઘણા દાયકાઓ પાછળ જઈશું. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઉગ્ર રીતે ઘેરી હતી. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે અમાન્ય બની ગયેલા 99 ટકા પૈસા બેંકિંગ સિસ્ટમમાં પરત કરવામાં આવ્યા હતા. કાળાં નાણાંની વસૂલાત અત્યાર સુધી થઈ રહી છે. પીએમ મોદીના આ નિર્ણયથી કેટલાક અર્થશાસ્ત્રીઓને પણ આશ્ચર્ય થયું છે.

Most Popular

To Top