National

ચીન પર હવાઈ હુમલો કરી શકાય તેવો એક્સપ્રેસ વે ભારતે બનાવ્યો: 22 હજાર કરોડના પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ખાસિયતો વિશે જાણો..

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરપ્રદેશમાં (Uttarpradesh) 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું (Purvanchal Express Way) ઉદ્દઘાટન (inauguration) કર્યું છે. રૂપિયા 22,497 કરોડના ખર્ચે માત્ર 36 મહિનાના ટૂંકા ગાળામાં બનેલો આ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને એકબીજા સાથે જોડશે. લખનઉના ચાંદસરાયથી શરૂ થતો એક્સપ્રેસ વે 9 જિલ્લામાંથી પસાર થઈ છેક ગાજીપુરમાં પૂરો થશે. 6 લેનનો આ એક્સપ્રેસ વે એટલો મજબૂત છે કે તેની પર મિરાજ 2000 જેવા ભારે ભરખમ યુદ્ધ વિમાનો પણ લેન્ડ થઈ શકે છે.

  • પૂર્વાંચલ એક્સપ્રેસ પાછળ 22,497 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
  • આ 341 કિ.મી લાંબો એક્સપ્રેસ વે રાજ્યના પૂર્વ અને પશ્ચિમી વિસ્તારોને એકબીજા સાથે જોડશે.
  • લખનઉથી ગાજીપુર સુધીની યાત્રા માત્ર 4.30 કલાકમાં પૂરી કરી શકાશે.
  • લખનઉ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલ્તાનપુર, અંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર સહિત 9 જિલ્લામાંથી પસાર થશે.
  • હાલ 6 લેનનો એક્સપ્રેસ છે જેને ભવિષ્યમાં 8 લેન સુધી વિસ્તારવામાં આવશે
  • પ્રારંભિક તબક્કામાં એક્સપ્રેસ વે પરથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન પણ આ એક્સપ્રેસ વે પર જ લેન્ડ થયું હતું. ઉદ્દઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં સપનામાં પણ કલ્પના કરી નહોતી કે મારું વિમાન પૂર્વાંચલના એક્સપ્રેસ વે પર ઉતરશે. જ્યાં એક સમયે માત્ર જમીન હતી ત્યાં આજે મજબૂત એક્સપ્રેસ વે છે. મને આ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કરતા અત્યંત આનંદ થઈ રહ્યો છે. એક્સપ્રેસ વેના ઉદ્દઘાટન બાદ અહીં યુદ્ધ વિમાનોના એક એર શોના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. લાખોની જનમેદની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદી પટેલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં વાયુસેના દ્વારા યુદ્ધ વિમોનાના હવાઈ કરતબનું પ્રદર્શન કર્યું હતું.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં આજે સુલતાનપુરના કરવલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કરીને ચૂંટણીનું રણશિંગૂ ફૂંકી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ 2018માં જે એક્સપ્રેસ વેનું ભૂમિપૂજન કર્યું હતું તે એક્સપ્રેસ વેનું આજે પોતાના હસ્તે જ ઉદ્દઘાટન કર્યું હતું. યુપીના 9 જિલ્લા લખનઉ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, અંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુરમાંથી પસાર થતો આ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશના વિકાસના દ્વાર ખોલી દેશે તેવો દાવો સત્તાપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હરક્યૂલિસ ગ્લોબમાસ્ટર વિમાન નવા એક્સપ્રેસ વે પર જ લેન્ડ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું વિમાન પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે.

રાફેલ, સુખોઈ અને મિરાજ વિમાનોનો એર શો યોજાયો

પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્દઘાટન બાદ સુલતાનપુરમાં બનાવવામાં આવેલી હવાઈ પટ્ટી પર એર શોનું આયોજન કરાયું હતું. આ એર શોમાં વાયુસેનાના જવાનોએ રાફેલ, સુખોઈ અને મિરાજ જેવા યુદ્ધ વિમાનોના ટચ એન્ડ ગો ઓપરેશનના હવાઈ કરતબનું પ્રદર્શન કર્યું હતું. જમીનને સ્પર્શ કરીને તરત જ ફરી હવાની ઊંચાઈઓ સર કરતા યુદ્ધ વિમાનોને જોઈ ઉપસ્થિત જનમેદની અવાક બની ગઈ હતી. આ એક્સપ્રેસ પાસે 3.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી બનાવાઈ છે, યુદ્ધની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાશે.

શ્રીપતિ મિશ્રાને યાદ કરી વડાપ્રધાને ચૂંટણીનું રણશિંગૂ ફૂંકી દીધું

ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના વિકાસમાં ભૂતપૂર્વ સત્તાપક્ષો દ્વારા કરાયેલી ભૂલ અંગે ટીપ્પણીઓ કરવામાં આવી હતી. આ સાથે જ વર્તમાન યોગી સરકાર રાજ્યમાં કનેક્ટિવીટી ઈન્ફ્રાસ્ટ્ર્કચર માટે ગંભીર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત સુલતાનપુરમાં મોદીએ શ્રીપતિ મિશ્રાને યાદ કરીને બધાને ચોંકાવી દીધા હતા. શ્રીપતિના અપમાનના પ્રસંગને યાદ કરીને તેઓએ એક રીતે વિપક્ષને આડેહાથ લીધું હતું. ચોક્કસ પરિવારના સભ્યોએ તેમને અપમાનિત કર્યાહ તા તે વાત યાદ દેવડાવીને સુલતાનપુરના લોકોની લાગણી જીતવાનો પ્રયાસ મોદીએ કર્યો હતો.

પૂર્વાંચલ એક્સપ્રેસ વે એ વિસ્તારોને જોડશે જેમાં વિકાસની અસીમ તકો છે

મોદીએ કહ્યું કે, 341 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે લખનઉને યુપીના એ શહેરો સાથે જોડશે જેના વિકાસની અસીમ તકો રહેલી છે. આજે યુપીના યોગી સરકારે એક એક્સપ્રેસ વે પાછળ 22 હજાર કરોડનો ખર્ચ ક્યો છે, પરંતુ ભવિષ્યમાં આ જ એક્સપ્રેસ વે યુપીમાં કરોડોના ઉદ્યોગો લાવવામાં મદદરૂપ સાબિત થશે.

યુદ્ધના સંજોગોમાં આ એક્સપ્રેસ વે મહત્ત્વની ભૂમિકા ભજવશે

પૂર્વાંચલ એક્સપ્રેસ વે માત્ર એક હાઈવે નથી, પરંતુ તે યુદ્ધના સંજોગોમાં પણ ઘણો મદદરૂપ બની શકશે. આ 341 કિલોમીટર લાંબા હાઈવેનું એ રીતે નિર્માણ કરાયું છે કે તે ચીન સામે યુદ્ધની સ્થિતિમાં કામમાં આવી શકે. આ હાઈવે ઉત્તર અને પૂર્વીય રાજ્યોને જોડે છે. અહીં 3.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી બનાવવામાં આવી છે, જેના પરથી યુદ્ધ વિમાનો ઉડાન ભરીને ચીન જેવા પાડોશી દેશો પર હવાઈ હુમલો કરી શકશે. આજે ઉદ્દઘાટન બાદ મિરાજ, રાફેલ અને સુખોઈ જેવા યુદ્ધ વિમાનોના એર શો કરવા પાછળનો હેતુ વિશ્વને સંદેશો પહોંચાડવાનો હતો.

Most Popular

To Top