Gujarat

ભાજપમાં રાજકીય ગરમાટો: ઇંડા-નોનવેજ લારીઓનો ફતવો આવ્યો ક્યાંથી?

રાજ્યમાં નોનવેજ (Nonveg) અને ઈંડાની (Egg) લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો જબરદસ્ત ગરમાયો છે. આ મુદ્દાએ રાજકીય રૂપ લઈ લીધું છે અને હવે ભાજપમાં (BJP) પણ આનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સોશિયલ મીડિયા પર ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) જાતે આ વાતનો ખુલાસો કરવો પડ્યો છે. હવે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ફતવો આવ્યો ક્યાંથી? સરકારને કે મંત્રીઓને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લીધો કેવી રીતે?

સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ‘વેજ અને નોનવેજનો કોઈ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે છે પરંતુ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રીએ જાહેરમાં આ બાબતનો ખુલાસો કરવો પડતો હોય તો એ વાત સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં ભાજપમાં આ મુદ્દો વધુ ગાજશે.

જણાવી દઈએ કે ભાજપ-પ્રમુખ સી આર પાટીલ છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓને ચીમકી આપી પક્ષના આગેવાનો અને હોદેદારોની વાત સાંભળવાની સૂચના આપી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના જ મહાનગરપાલિકાના હોદ્દેદારોએ સરકાર કે પક્ષને વિશ્વાસમાં લીધા વિના આટલી મોટી ઝુંબેશ શરૂ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે.  મહાનગરપાલિકાઓની નોનવેજની ઝુંબેશને એક બાજુ રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વખાણી હતી, સાથે સાથે અમદાવાદ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકામાં આ મૌખિક નિર્ણય ભાજપના હોદ્દેદારોએ લીધો હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું હતું . તો બીજી બાજુ મુખ્યમંત્રીએ આ નિર્ણય બાબતે જનતા સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી.

શું કહે છે લોકો?

આ મુદ્દે અમુક લોકોએ પાલિકાના પક્ષમાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે ત્યારે અમુક લોકો કહી રહ્યા છે કે હવે અમારે શું ખાવું અને ન ખાવું તે પણ સરકાર નક્કી કરશે? તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટો જોવા મળી રહી છે. લોકો અલગ અલગ મીમ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે ભાજપના સત્તાધીશોએ પણ વિચાર કરવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top