Dakshin Gujarat

સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઈ જતાં બાઈક ઝાડ સાથે અથડાઈ, 3 મિત્રો આખી રાત તડપતા રહ્યાં…

રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા-સાગબારાને જોડતા હાઇવે પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાઈ જવાથી બાઇક રોડની સાઇડ પર ઊતરી ગયા બાદ વૃક્ષ સાથે અથડાતાં ત્રણ મિત્રનાં મોત થયાં હતાં. સાગબારાથી માત્ર એક કિ.મી. દૂર આવેલા કુંબીકોતર પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.

સાગબારાના પાનખલા ગામના ત્રણ યુવાન નામે હિતેશ જીતુ પાડવી, કુશો પાડવી અને આનંદ પાડવી બાઇક લઇને ડેડિયાપાડા લગ્ન પ્રસંગમાં ગયા હતા. ડેડિયાપાડાથી લગ્નપ્રસંગ પતાવી સાગબારા પરત આવી રહ્યા હતા. એ સમયે તેમની બાઇકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બાઇક ચલાવી રહેલા યુવાને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક રોડની સાઇડમાં ખાડીમાં પડીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. વેરાન જગ્યા હોવાથી ઇજાગ્રસ્ત યુવાનો આખી રાત તડપતા રહ્યા હતા. બીજી તરફ રાત વીતી જવા છતાં ત્રણેય યુવાન પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. પણ યુવાનોનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

અકસ્માતના કલાકો બાદ કોઇ રાહદારીએ ત્રણેય યુવાનને જોતાં પોલીસને જાણ કરી સાગબારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં ત્રણેય યુવાનનાં મોત નીપજ્યા હોવાની અને પાનખલા ગામના હોવાનું જણાતાં તેમના વાલીઓને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય યુવાન ડેડિયાપાડાથી લગ્નમાંથી ઘરે સાગબારા આવતા હતા. લાઈટથી અંજાઈને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા. જ્યાં ઝાડ સાથે અથડાઇ જતાં આખી રાત ત્યાંને ત્યાં રહ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેમને હોશ જ ના આવ્યો અને તેમનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ બનાવના પગલે પાનખલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હાંસોટમાં કાર અકસ્માતમાં સુરતના ઈજનેર યુવકનું મોત
સુરત : ઓલપાડ-હાંસોટ રોડ કાર અકસ્માતમાં સુરતના યુવાન ઇજનેરનું મોત નિપજ્યું હતું. અન્ય ત્રણને નાની-મોટી ઇજા થઈ હતી. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર અમરોલી કોલેજ પાસે સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રથમ કેતનકુમાર શાહ (22 વર્ષ) એન્જિનિયર હતો. પ્રથમ શાહ તેના એન્જિનિયર મિત્રો મિત પટેલ સહિત ત્રણ સાથે અમદાવાદ ખાતે બિઝનેસ ઇવેન્ટ માટે કારમાં ગયો હતો. પ્રથમ સહિત તમામ મિત્રો સોમવારે અમદાવાદથી પરત સુરત આવી રહ્યા હતા. તે અંકલેશ્વરથી હાંસોટ થઈને આવી રહ્યો હતો. સાંજે હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાં ઓલપાડ-હાસોટ રોડ પર વૈદિક રિસોર્ટ પાસે સામેથી આવતી કાર સાથે પ્રથમની કાર અથડાઈ હતી. તેમાં પ્રથમને ગંભીર ઇજા થઈ હતી અન્યોને નાની-મોટી ઇજા થઈ હતી. તમામને સારવાર માટે રાંદેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પ્રથમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રથમના પિતા ઇન્સ્યોરન્સને લગતું કામ કરે છે. પ્રથમ પરિવારનો એકનો એક દીકરો હતો.

Most Popular

To Top