વડોદરા: મધ્યગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.ગત ગુરુવારે વડોદરામાં માત્ર અડધો કલાકમાં દોઢ ઈંચ વરસેલા વરસાદે અંધાધૂંધી સર્જી હતી.જે બાદ રવિવારે ફરી એક વાર મેઘરાજાએ દિવસ દરમિયાન થોડા કલાકો માટે ધમાકેદાર ઈનિંગ રમતા ઠેર ઠેર વૃક્ષો પડવા સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અટવાયા હતા.જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા નગરજનો હેરાનપરેશાન થઈ ઉઠ્યા હતા. બીજી તરફ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રિમોન્સૂનની ગુલબાંગો ફૂંકતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ઉઘાડી પડવા પામી હતી.
મધ્યગુજરાતમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.જગતનો તાત કહેવાતા ખેડૂત આલમમાં પણ તેમની આતુરતાનો અંત આવતા ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. બીજી તરફ વડોદરામાં ગત ગુરુવારે તોફાની એન્ટ્રી બાદ રવિવારે વધુ એક વખત મેઘરાજાએ તેમનો મિજાજ બતાવ્યો હતો.તેજ પવનો સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.દિવસ દરમિયાન વડોદરામાં માત્ર 20 MM વરસેલા વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હતા.
શહેર નજીક ગોરવા-ઉંડેરા તરફ જવાના માર્ગે ગેંડા સર્કલ નજીક આવેલા ઇનઓર્બિટ મોલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે વરસાદમાં ટ્રાફિક જામમાં લોકો અટવાયા હતા.આવા ટ્રાફિકમાં જો કોઇ ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડની ગાડીઓને નિકળવું હોય તો દર્દીઓની તથા ઘટનાસ્થળે શું હાલત થાય તે પણ સમજી શકાય તેમ છે. આના માટે સ્માર્ટ તંત્ર જવાબદાર ગણી શકાય હજી તો ચોમાસાનો વરસાદ સતત શરૂ પણ નથી થયો ત્યાં પ્રથમ વરસાદે વડોદરા શહેરમાં ઠેરઠેર આવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.જે તંત્રની પ્રિમોન્સુનની પોલ ઉઘાડી પાડી રહ્યા છે સાથે જ અન્ય તંત્રની કામગીરી પણ ઉઘાડી પાડી રહ્યા છે.
અગાઉ શહેરમાં મેઘરાજાએ પ્રથમ એન્ટ્રીમા શહેરને ઘમરોળ્યુ હતું.જેમાં વાવાઝોડાને કારણે ઘણાં ઝાડ, ગેન્ટ્રીગેટ, હોર્ડિંગ્સ, મકાનોને નુકશાન થયું હતું.જ્યારે રવિવારે ભારે વરસાદને કારણે શહેરના પથ્થરગેટ પોલીસ ચોકી પાસે એક તોતિંગ વૃક્ષ ધારાશાયી થતાં વૃક્ષનો અડધો ભાગ રોડપર પડતાં તેની નીચે એક એક્ટિવા મોપેડ તથા ત્રણ પૈડાં વાળી બે પગ રીક્ષા દબાઇ હતી. સાથે ટ્રાફિક જામ થયો હતો.જે અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને એક્ટિવા તથા એક પગરીક્ષા સલામત રીતે બહાર કાઢી હતી.
એક પગરીક્ષાના એકતરફના વ્હિલને નુકશાન થયું હતું જોકે ફાયરબ્રિગેડના જવાનોએ યુધ્ધના ધોરણે કામગીરી કરી ટ્રાફિક યથાવત કર્યો હતો.એકતરફ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.જોકે શહેરમાં ઠેરઠેર ખોદેલા ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા જેના કારણે વડોદરા શહેરમાં રવિવારે માત્ર 20 મિલી મીટર પડેલા વરસાદમાં ખોદેલા ખાડાની માટી,ડામર રોડના ઉખડી ગયેલા કટકા તેમજ નાખવામાં આવેલું છારૂં રોડ પર વહી ગયું હતું.જ્યારે વરસાદી કાંસો, ગટરો, સહિત જ્યાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી ત્યાં ઠાલવવામાં આવેલ ગંદકીના ઢગ પણ પાણીમાં તણાઈ ગયા હતા.