Columns

અમેરિકાની મંદીને કારણે રોકાણકારોના 15 ટ્રિલિયન ડોલર ડૂબી ગયા

કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે ડોલરની નોટો છાપી છાપીને લોકોના ખાતામાં નાખી હતી, તેના માઠાં ફળો હવે રોકાણકારો ભોગવી રહ્યા છે. કોરોનાના પ્રારંભિક કાળમાં સ્ટોક માર્કેટ ભાંગી પડ્યું. તેને ઉગારવા ફેડરલ રિઝર્વ દ્વારા હવામાંથી ડોલર પેદા કરીને તેનું રોકાણ શેરબજારમાં કરવામાં આવ્યું હતું. જેને કારણે શેરોના ભાવો ઊંચકાયા હતા અને કૃત્રિમ તેજી આવી હતી. અમેરિકાની નાણાં સંસ્થાઓ પાસે વધારાના ડોલર આવતા તેમણે તેના વડે ભારત જેવા દેશોના શેરબજારોમાં પણ અબજો ડોલરનું રોકાણ કર્યું હતું.

જેને કારણે ઉત્પાદન બંધ હતું તો પણ શેરોના ભાવો વધ્યા હતા. ભારતનું શેરબજાર જે 52,000 પરથી ગબડીને 26,000 પર પહોંચ્યું હતું, તે વધીને 58,000 સુધી પહોંચી ગયું હતું. આ કૃત્રિમ તેજી લાંબું ચાલી નહોતી. ભારતનું શેર બજાર પાછું 52,000 પર આવી ગયું છે અને સતત ઘટી રહ્યું છે. ભારતના શેર બજારમાં ઘટાડાનું કારણ છે – અમેરિકાના શેર બજારમાં ચાલી રહેલો સતત ઘટાડો. મંગળવારે અમેરિકાની ટોચની 500 કંપનીઓના શેરોના ભાવમાં એક જ દિવસમાં 2% નો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના શેરબજારના માર્કેટ કેપમાં તાજેતરના મહિનાઓમાં 15,000 અબજ (15 ટ્રિલિયન) ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના શેરબજારમાં સતત થઈ રહેલા ઘટાડાનું મુખ્ય કારણ કાબુ બહાર જઈ રહેલો ફુગાવો છે, જેનું કારણ અર્થતંત્રમાં ઠાલવવામાં આવેલા 6.5 ટ્રિલિયન ડોલર છે.

આ જથ્થાને કારણે ફુગાવો 4 દાયકામાં સૌથી વધુ 8.6% ના દરે પહોંચી ગયો હતો, જે સાધારણ રીતે 3.5% ની આસપાસ રહેતો હોય છે. આ ફુગાવાને કારણે કરોડો નાગરિકો ગરીબી રેખાની નીચે ઘસડાઈ ગયા છે. બેકારીનો દર પણ વધીને 3.6% પર પહોંચી ગયો છે. ફુગાવો વધવાને કારણે ફેડરલ રિઝર્વે વ્યાજના દરો વધાર્યા છે, જેને કારણે બજારમાં નાણાંની તંગી ઊભી થઈ છે. જો અમેરિકાનું શેરબજાર ભાંગી પડશે તો દુનિયાભરના શેરબજારોમાં ધરતીકંપના આંચકાઓ જોવા મળશે.અમેરિકાના શેરબજારની તંદુરસ્તી એસ એન્ડ પી 500ના મૂલ્યના આધારે નક્કી થાય છે. હજુ ગણતરીના દિવસો પહેલા તેની કિંમત 4,900 પોઈન્ટ હતી તે હવે ઘટીને 3,831 પોઈન્ટ પર આવી ગઈ છે. મોટા ભાગના રોકાણકારો માને છે કે હજુ ઘટીને 3,300 પર આવી જશે.

જાણકારો કહે છે કે શેરબજાર હજુ ઘટી શકે છે, કારણ કે તેનું તળિયું ક્યાં છે તે સમજાતું નથી. કોરોના સામે લડી રહેલા અમેરિકાના લોકો ઇંધણ, અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ અને નવી મોટર કારની ખરીદીમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. અમેરિકાની સરકારે ડોલર છાપીને લોકોના ખાતામાં નાખ્યા, પણ ઉત્પાદન વધારવા તરફ ધ્યાન આપ્યું નહીં. જેને કારણે પૈસાની કિંમત ઘટી ગઈ છે અને આવશ્યક ચીજોના દામો વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે અમેરિકાના કરોડો નાગરિકો ગરીબી રેખાની હેઠળ સરકી જવાનો ભય પેદા થયો છે. ફેડરલ રિઝર્વે ચેતવણી આપી છે કે 2022 દરમિયાન વ્યાજના દરમાં 2%નો વધારો કરવાની ફરજ પડશે. જો લોન ઉપરનું વ્યાજ વધશે તો કરોડો અમેરિકનો હોમ લોનના હપ્તાઓ ચૂકવી શકશે નહીં.

અમેરિકાના નસીબદાર રહેવાસીઓ વર્ષોથી મોંઘવારીના મારથી બચતા આવ્યા છે. ભારત અને પાકિસ્તાન જેવા ગરીબ દેશોમાં ફુગાવો જ્યારે ડબલ ડિજિટની નજીક સરકી રહ્યો હતો ત્યારે અમેરિકાનું ફેડરલ રિઝર્વ તેને 2% ની અંદરમાં રાખવામાં સફળ થયું હતું. ફેડરલ રિઝર્વ ફુગાવા બાબતમાં એટલું નિશ્ચિંત થઈ ગયું હતું કે તે માનવા લાગ્યું હતું કે અમેરિકામાં ફુગાવો ક્યારેય ચિંતાજનક હદે વધશે જ નહીં. આ ધારણા સાથે ફેડરલ રિઝર્વ દ્વારા 2 વર્ષમાં આશરે 5,800 અબજ ડોલર છાપીને અમેરિકાના અર્થતંત્રમાં ઠાલવવામાં આવ્યા છે.

તેનો પરચો મળવાનો ચાલુ થઈ ગયો છે. માર્ચ મહિનામાં અમેરિકાના કોન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 8.5% નો તોતિંગ વધારો થયો છે. 4 દાયકામાં જોવા મળેલો આ સૌથી વધુ ફુગાવો છે. ફેડરલ રિઝર્વે કબૂલ કર્યું છે કે આવતા 3 વર્ષ સુધી તે ફુગાવાને કાબૂમાં લાવી શકે તેવી કોઈ સંભાવના નથી. ફુગાવાને કાબૂમાં લાવવા ફેડરલ રિઝર્વ પાસે વ્યાજના દરો વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો વ્યાજના દરો વધારવામાં આવશે તો ધિરાણ મોંઘું થશે અને અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જઈ શકે છે.

અમેરિકામાં એક બાજુ કોરોનાનો ડર થોડો ઓછો થયો અને બીજી બાજુ લોકો પોતાના ઘરની બહાર નીકળવા લાગ્યા. તેને કારણે લોકો દ્વારા થતી ખરીદીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ સરકાર દ્વારા ચલણમાં ચિક્કાર ડોલર ઠાલવવામાં આવ્યા હોવાથી લોકોની ખરીદશક્તિમાં પ્રચંડ વૃદ્ધિ જોવા મળી રહી છે. લોકોની ખરીદશક્તિ જે ઝડપે વધી રહી છે તે ઝડપે ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો નથી. વળી, ચીન જેવા દેશમાં કોરોનાનું ચોથું મોજું ચાલી રહ્યું હોવાથી ચીનથી જે માલસામાનની આયાત કરવામાં આવે છે, તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે. બહુ બધા ડોલર સામે માલની અછત હોવાથી સ્વાભાવિક રીતે ભાવો વધી રહ્યા છે. એક બાજુ મોંઘવારી વધી રહી છે તો બીજી બાજુ મજૂરોના પગાર પણ વધી રહ્યા છે. તેને કારણે વસ્તુઓની ઉત્પાદન કિંમત વધતા મોંઘવારીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

જો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજનો દર વધારવામાં આવે તો મોટી કંપનીઓએ બેન્કો પાસેથી જે લોન લીધી હોય તેનું તેમણે વધારે વ્યાજ ચૂકવવું પડશે. જેને કારણે તેમની ઉત્પાદન કિંમત વધી જશે. વર્તમાનમાં અમેરિકાનો ડેટ – સર્વિસ ગુણોત્તર 13.7% છે. 2 વર્ષમાં તે વધીને 17.8% પર પહોંચી જશે. આ ગુણોત્તર 2008ની આર્થિક કટોકટી પહેલા જોવા મળ્યો હતો. ત્યારે પણ ફેડરલ રિઝર્વે ડોલર છાપીને મંદીનો મુકાબલો કર્યો હતો. હવે મંદી આવે તો ફેડરલ રિઝર્વ પણ કેટલા અબજ ડોલર છાપી શકશે તે શંકાસ્પદ છે. કારણ કે તે ચિક્કાર ડોલર છાપી ચૂક્યું છે. જો અમેરિકામાં ડેટ – સર્વિસ ગુણોત્તર વધે તો દુનિયાના લગભગ બધા દેશોમાં તેનો પ્રભાવ પડ્યા વિના રહે નહીં. ભારત જેવા દેશોમાં અનેક કંપનીઓ ઉઠી જવાની તૈયારીમાં છે. સરકારે તેમને લોનના હપ્તા ચૂકવવામાંથી મુક્તિ આપીને ટકાવી રાખી છે. જો હપ્તા વધે તો આ કંપનીઓને દેવાળું જ ફૂંકવું પડશે.

અમેરિકાની તાકાતનું મુખ્ય કારણ ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન છે. જો ફેડરલ રિઝર્વ દ્વારા અમર્યાદ સંખ્યામાં ડોલર છાપવામાં આવશે તો ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ભયમાં મૂકાઈ જશે. રશિયા અને ચીન મળીને ડોલરને રિઝર્વ કરન્સી તરીકે રદ્દ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. રશિયાએ યુરોપના દેશોને કહી દીધું છે કે તેમણે ખનિજ તેલ ખરીદવું હોય તો રૂબલમાં જ ખરીદવું પડશે. જો તેમની પાસે રૂબલ ન હોય તો સોનામાં ખરીદવું પડશે. સાઉદી અરેબિયા પણ રૂબલમાં ખનિજ તેલ વેચવાના વિકલ્પની વિચારણા કરી રહ્યું છે.

જો ખનિજ તેલ ખરીદવા ડોલરની જરૂર ન રહે તો ડોલરની ડિમાન્ડ ઘટી જાય અને તેની ખરીદશક્તિ પણ ખતમ થઈ જાય. જો અમેરિકાનો ડોલર દુનિયાની બજારમાંથી આવશ્યક ચીજો ખરીદી ન શકે તો અમેરિકાની હાલત ત્રીજા વિશ્વના ગરીબ દેશો કરતાં પણ બદતર બની જશે. દુનિયામાં મોટી ઉથલપાથલ થવાની છે. અમેરિકાના શેરબજારના કડાકાને પગલે ભારતના રોકાણકારોને પણ કપરા દિવસોનો સામનો કરવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top