Vadodara

છોટાઉદેપુર જિલ્લા વાવાઝોડામાં 14 વીજપોલ પડ્યા

બોડેલી: ગુજરાતના દરિયા કિનારે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડાને પગલે જિલ્લામાં પવન ફુંકાવાની સાથે મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. મધ્યમગતિના પવનને લીધે જિલ્લામાં વીજ થાંભલાઓ ક્ષતિગ્રસ્ત થતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી ક્ષતિગ્રસ્ત થાંભલાઓનું સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

​બોડેલી સબ ડિવીઝનના નાયબ કાર્યપાલક ઇજનેર ભાવેશભાઇ પટેલ તરફથી મળતી વિગતો અનુસાર જિલ્લામાં ૧૪ વિજ પોલ ક્ષતિગ્રસ્ત થતાં ૬૧૨ ગ્રાહકોને અસર થવા પામી હતી. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન તમામ ૧૪ ક્ષતિગ્રસ્ત વીજપોલનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૦૧ ડિ.પી સ્ટ્રકચરને પણ નુકસાન થવા પામ્યું હતું તેમજ ૩૫૦ મીટર કંડકટર લાઇનને થયેલી ક્ષતિનું સમારકામ પૂર્ણ કરી વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

​આ ઉપરાંત વીજ લાઇનને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપી  વીજ પુરવઠો ખોરવાઇ નહીં તેની તકેદારી રાખવામાં આવી હતી. વરસતા વરસાદમાં પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી/કર્મચારીઓએ ખડેપગે રહી વીજ પુરવઠો પૂર્વવત્ થાય એની તકેદારી રાખી કામગીરી કરી હતી.  ​

ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, છોટાઉદેપુરના કાર્યપાલક ઇજનેર કમલેશભાઇ બારિયા સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પાણીની ઉંચી મોટી ટાંકીઓ, પાણીના સંપ કે પાણીની પાઇપલાઇનને વાવાઝોડા દરમિયાન ફુંકાયેલા પવન દરમિયાન કોઇ નુકસાન થયું નથી.

જિલ્લામાં પાણી પુરવઠાની પરિસ્થિતિ પૂર્વવત્ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ​આ ઉપરાંત જિલ્લામાં ભારત સંચાર નિગમ લિમીટેડ અને અન્ય કંપનીના મોબાઇલ ટાવરોને કંઇ નુકસાન થયું હોવાના હેવાલ પ્રાપ્ત થયેલ નથી. જિલ્લામાં દુરસંચાર વ્યવસ્થા યથાવત્ સ્થિતિમાં ચાલી રહી છે.

​વધુમાં પવનને કારણે તુટી પડેલા વૃક્ષો અને ડાળીઓને માર્ગ મકાન વિભાગ અને વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હટાવી લેવામાં આવતા જિલ્લામાં કયાંય પણ કોઇ રસ્તા પર અવર જવર બંધ થયાની ઘટના બનવા પામી નથી. ​આમ, છોટાઉદેપુર જિલ્લામાં તાઉ તે વાવાઝોડાને પગલે મધ્ય ગુજરાત વીજ કંપનીના ક્ષતિગ્રસ્ત વીજ પોલ તેમજ અન્ય સ્ટ્રકચરનું સમયસર સમારકામ કરવામાં આવતા જિલ્લામાં વીજ પુરવઠો, પાણી પુરવઠો તેમજ દુરસંચારના સાધનોને કોઇ ક્ષતિ ન થઇ હોવાથી જિલ્લાની સ્થિતિ પૂર્વવત્ રહેવા પામી છે.

Most Popular

To Top