Gujarat

ધ્રાંગધ્રામાં 600 ફૂટ ઊંડા બોરમાં પડેલી 12 વર્ષની બાળકીને બહાર કાઢવા આર્મી બોલાવવી પડી

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના ગાજણવાવ ગામ ખાતે આદિવાસી પરિવારની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં (Bore) પડી ગયાની માહિતી સામે આવી હતી. ખેતર નજીક આવેલા 600થી 800 ફૂટના ઊંડા બોરમાં 12 વર્ષની બાળકી રમતા રમતા પડી ગઈ હતી અને 60 ફૂટે ઊંડે જઈ બોરમાં ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા (Rescue) માટે આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોરમાં ફસાયેલી બાળકીને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. 4 કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ બાળકીને 11:30 વાગ્યાની આસપાસ બચાવી લેવામાં આવી છે.

  • 12 વર્ષની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં ખાબકી
  • 60 ફૂટ ઊંડા બોરમાં જઈને બાળકી ફસાઈ ગઈ
  • ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં સવારે 7છ30 વાગ્યે ઘટના બની
  • ઘટનાની માહિતી મળતા જ તંત્ર સહિત આર્મી દોડી આવી
  • સતત ઓક્સિજન આપી બાળકી સાથે વાતચીત કરવામાં આવી રહી હતી
  • 4 કલાકની જહેમત બાદ બાળકીને સુરક્ષિત બહાર કઢાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકના ગાજણવાવમાં આદીવાસી ખેત મજૂરની 12 વર્ષની દીકરી સવારે 7:30 વાગ્યે બોરમાં પડી ગઈ હતી. ત્યાર બાદ પરિવારને આ વાતની જાણ થતા બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તંત્રને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ તંત્રને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 12 વર્ષની બાળકીનું નામ મનિષા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર 600 ફૂટ ઊંડા બોરમાં બાળકી 60થી 70 ફૂટે બોરમાં ફસાઇ ગઈ હતી. આ ઘટના અંગે મામલતદારે કહ્યું કે 4 કલાકના લાંબા રેસ્ક્યૂ ઓપરેશનના અંતે આર્મીની મદદથી બાળકીને હેમખેમ બચાવી લેવામાં આવી છે.

આ અગાઉ પણ અઢી વર્ષના બાળકને માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યુ કરાયો હતો
આ અગાઉ પણ જૂન મહિનામાં આવી જ એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં એક માસૂમ બાળક પડી ગયો હતો. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવી લેવાયો હતો. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

Most Popular

To Top