Vadodara

વડોદરા : શરીર પર પટ્ટા અને સાંકળ મારી સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ

જાડી ચામડીના નેતાઓ કે અધિકારીઓને કોઈ ફરક પડવાનો નથી :

મને જે કષ્ટ પડ્યું એના કરતાં 100 ગણું વધારે લોકોને સ્માર્ટ મીટર નાખવાથી પડી રહ્યું છે : વિનોદ શાહ

( પ્રતિનિધિ ) વડોદરા તા.18

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર નો વિરોધ પહોંચ્યો છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે અનોખી રીતે વિરોધ કરી પોતાની વેદના વ્યક્ત કરી છે. શરીર પર ચામડા નો પટ્ટો જૂના મીટર માટે અને લોખંડની સાંકળ નવા સ્માર્ટ મીટર માટે મારી નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખ વિનોદભાઈ શાહે જણાવ્યું હતું કે ભાજપે સાત 7 તારીખ પહેલા ગુજરાતમાંથી લોકોના વોટ લઈ લીધા, અને ત્યાર પછી એ લોકોએ આ સ્માર્ટ મીટર લગાવી કનેક્શન ચાલુ કરી દીધા, એટલે આ ખરેખર ગુજરાતીઓને છેતરીને એમના વોટ લઈ લીધા છે. આજે જે લોકોનું 2 મહિનાનું 6,000 બિલ આવતું હતું, તે લોકોનું અત્યારે 20 દિવસમાં 6,000 બિલ આવવા માંડ્યું છે. સ્માર્ટ મીટરને લીધે લોકો પોતાના ઘરોમાં પંખા ચાલુ નથી કરતા અને નાના છોકરાઓને ગરમીમાં શેકાવું પડે છે. વાંચવા માટે લાઈટો નથી હોતી. આ સ્માર્ટ મીટર ખરેખર ભાજપે સ્માર્ટ ચીટીંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. ભાજપ અત્યારે લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યું છે.

મારા શરીરને કષ્ટ આપવાથી મને ખબર છે કે આ જાડી ચામડીના નેતાઓ કે અધિકારીઓને કોઈને ફરક પડવાનો નથી. પરંતુ યાદ રાખજો જે દિવસે આ ગુજરાતની છ કરોડ પ્રજા સમજી જશે કે આ ભારતીય જનતા પાર્ટી રામના નામે લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે, ખિસ્સા ખંખેરી રહી છે અને જે દિવસે આ ગુજરાતીઓ જાગી જશે તો આ ભારતીય જનતા પાર્ટીની સત્તા નહિ રહે. જે અધિકારીઓનું અને એમની પાછળ જેનું બળ હશે સંડોવણી હશે આ સ્માર્ટ મીટરમાં એ બધા જેલમાં જશે. ભાજપે સ્માર્ટ ચિટિંગ કાઢી છે. રામના નામે છેલ્લા ૩૦ વર્ષથી ચીટીંગ કરતી આવી છે. ગુજરાતીઓને અને આખા દેશને છેતરતી આવી છે, પણ રામના નામે લોકોના પેટ નથી ભરાવાના, રામ એક આસ્થાનો વિષય છે. લોકોની ભાવના સાથે ભાજપ રમી રહ્યું છે. ભાવનાનો દુરુપયોગ કરી રહ્યો છે. બેનર લઈને ઉભો રહુ, આ રીતે વિરોધ કરું પણ આ તો મેં મારા જે દેશના કરોડો નાગરિકો છે તેમને જે કષ્ટ પડ્યું છે એ મેં મારી જાતે આ પ્રકારે મારી વેદના વ્યક્ત કરી છે. લોકોને આ દર્શાવી રહ્યો છું કે મને જે વેદના થઈ રહી છે એનાથી 100 ગણી લોકોને મીટરો બદલાવાથી થઈ છે. પહેલા જે પટ્ટા માર્યા એ જૂના મીટરના લીધે માર્યા છે અને જે સાંકળ મારી છે એ નવા મીટરના વિરોધ કરવા માટે મારી છે.

ભારતીય જનતા પાર્ટી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગને નિશાન બનાવે છે. કારણ કે અમીરો છે એ ભારતીય જનતા પાર્ટીના હાથા નથી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમીરોના હાથમાં છે. અમીરો જેમ કહે ઉદ્યોગપતિઓ જેમ કહે તેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીતિઓ ઘડે છે અને નવા નવા કાયદા કાનૂન લાવે છે. કારણ કે , જે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા છે. એમની પાસે વિરોધ કરવા સંગઠન નથી, શકતી નથી, રૂપિયા નથી, એટલે કશું બોલી શકતા નથી અને એમનું કોઈ સાંભળતું નથી. નાના નાના માણસોને જેલમાં નાખી દે છે એટલે ભારતીય જનતા પાર્ટીથી ગરીબ અને મધ્યમ વર્ગ ડરી ગયો છે અને સાંજ પડે 100 રૂપિયા 200 રૂપિયા કમાવવા માંથી ઊંચો નથી આવતો.

Most Popular

To Top