Sports

ભારતની દીકરીઓનો ધમાકો: હરમનપ્રીત કૌરની ટીમે પ્રથમવાર મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો!

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં 52 રનથી હરાવીને પહેલી વાર મહિલા ODI વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત માત્ર ટ્રોફી સુધી સીમિત નથી. પણ 1.4 અબજ ભારતીયોના ગર્વ અને આશાઓનો ઉત્સવ બની છે.

ગઈ કાલે તા. 2 નવેમ્બર રવિવાર રાત્રે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ઇતિહાસ રચાયો. ભારતીય મહિલા ટીમે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો. આ વિજય સાથે 47 વર્ષની રાહનો અંત આવ્યો અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં નવો અધ્યાય લખાયો.

ભારત પહેલી વખત 1978માં મહિલા વર્લ્ડ કપમાં ઉતર્યું હતુ પરંતુ 2005 અને 2017માં ફાઇનલ સુધી પહોંચીને પણ જીત મળી નહોતી. અંતે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમે પોતાના સપનાને હકીકતમાં ફેરવ્યું.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 297 રન બનાવ્યા. જે મહિલા વર્લ્ડ કપ ફાઇનલનો બીજો સૌથી મોટો સ્કોર છે. શેફાલી વર્માએ 87 રન સાથે શાનદાર ઇનિંગ રમી અને બે વિકેટ પણ લીધી. દીપ્તિ શર્માએ 58 રન અને 5 વિકેટ લઈ ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો.

દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 101 રન કર્યા પરંતુ ટીમને જીત તરફ દોરી શકી નહીં. આખી ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ઇનામ અને સન્માન:

  • ચેમ્પિયન ભારતને રૂ. 40 કરોડનું ઇનામ
  • રનર-અપ દક્ષિણ આફ્રિકાને રૂ. 19.77 કરોડ
  • સેમિફાઇનલ ટીમોને રૂ.9.89 કરોડ
  • પ્લેયર ઓફ ધ મેચ: શેફાલી વર્મા
  • પ્લેયર ઓફ ધ સિરીઝ: દીપ્તિ શર્મા

આ જીત મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે. 25 વર્ષ પછી નવો વિશ્વ ચેમ્પિયન મળ્યો છે. આ સાથે ભારતે પુરુષ ટીમની જેમ મહિલા ટીમ દ્વારા પણ વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ મેળવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર અભિનંદન પાઠવતાં કહ્યું “ભારતની દીકરીઓએ વિશ્વ મંચ પર તિરંગો લહેરાવ્યો છે. તેમની હિંમત, મહેનત અને ટીમ સ્પિરિટ દેશ માટે ગર્વની વાત છે.”

આ જીત માત્ર ક્રિકેટની નહીં પરંતુ ભારતીય મહિલાશક્તિની જીત છે. આ વિજય દરેક યુવતી માટે પ્રેરણારૂપ છે કે જો ઈરાદો મજબૂત હોય, તો કોઈ સપનું અશક્ય નથી.

Most Popular

To Top