Feature Stories

લીંબુ એ કર્યા ખાટા દાંત કેટલાંકે કર્યા ખાવામાથી બાકાત

આપણે ઘણીવાર કોઈક ને કહેતા હોઈએ છે કે આમણે મને, ‘લીંબુ પકડાવ્યું’. ત્યારે હાલમાં તો લીંબુના અધધ વધેલા ભાવો જ જાણે આપણને લીંબુ પકડવાની ના પાડી રહ્યા હોય એમ લાગે છે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં જ્યારે હર કોઈને શરીરમાં ઠંડક થાય એવું પીવાની ઈચ્છા થાય ત્યારે તરત લીંબુ પાણી યાદ આવે પણ અત્યારે તો પરિસ્થિતી એવી છે કે લોકોને લીંબુના ભાવ સાંભળીને જ પરસેવો છૂટી જાય છે તો સાથે જ લીંબુને લઈને કેટલાક રમૂજી કિસ્સાઓ પણ સામે આવ્યા છે તો ચાલો માણીએ આ ગરમીમાં લીંબુની ખાટ્ટી-મીઠ્ઠી વાતો આપણાં વાચકોના જ મુખેથી.

લીંબુપાણીની જગ્યાએ છાશ પીવડાવી : આરતી વૈધ

આરતી વૈધ કહે છે કે, મારા ઘરે મારી 2-3 ફ્રેન્ડ આવી હતી અને સામાન્ય રીતે મેં પુછ્યું કે ‘શું લેશો? તો તેમણે કહ્યું કે લીંબુપાણી ચાલશે. હવે થયું એવું કે લીંબુના ભાવ 300 રૂપિયાની ઉપર પહોંચ્યા હોવાથી મેં તો લીંબુ લાવવાના જ બંધ કરી દીધા હતા, જેથી જ્યાં લીંબુની જરૂર પડે ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો જેથી લીંબુપાણીની ડિમાન્ડને કેમ પહોંચી વળવું તે વિચારવા લાગી અને ત્યારે મારી નજર ફ્રીજમાં મૂકેલી છાશ પર પડી અને પછી ગરમીમાં છાશ પીવાનું મહત્વ ગણાવીને એમના હાથમાં છાશનો ગ્લાસ આપી દીધો. જો કે મને ખરાબ તો લાગ્યું જ અને હવે હું જ્યારે પણ હું લીંબુપાણી બનાવીશ ત્યારે આ કિસ્સો જરૂર યાદ આવશે.’

લીંબુને જ લાગી ગઈ નજર : અલ્પેશ પટેલ

શહેરના એલ પી સવાણી વિસ્તારમાં રહેતાં અલ્પેશ પટેલ જણાવે છે કે, ‘હું આવી કાળઝાળ ગરમીમાં લગ્નમાં જવા માટે નીકળ્યો અને રસ્તામાં વિચાર્યું કે ત્યાં જઈને લીંબુપાણી પી લઇશ, કારણ કે મારા ઘરે તો લીંબુ મોંઘા થયા ત્યારથી ઘરમાં લીંબુની એન્ટ્રી જ બંધ છે. પણ જ્યારે મેં જઈને જોયું તો લીંબુની જગ્યા પર કોલ્ડડ્રિંકની બોટલ હતી પણ તરસના કારણે મારે તે પીવી જ પડી, પછી કોલ્ડ ડ્રિંક પીવાથી મને વધુને વધુ તરસ લાગતી ગઈ. જો કે મજાની વાત તો એ થઈ કે લગ્નમાં કન્યા પક્ષમાંથી કોઇકે ગિફ્ટમાં લીંબુ આપ્યા,ત્યારે એ વાત તો છે કે, આપણે લીંબુ અને મરચાથી નજર ઉતરતા હતા પણ હમણાં જાણે લીંબુ-મરચાને જ નજર લાગી ગઈ.

પુત્રોને મળ્યો લીંબુમાં વારસો – મુક્તિ પટેલ

રાંદેર વિસ્તારમાં રહેતા મુક્તિબહેન પટેલ કહે છે કે, મારાં એક મિત્રના ઘરે તેના પપ્પાએ લીંબુનું ઝાડ વાવ્યું હતું અને તે બારમાસી લીંબુ હોવાના કારણે તેમાં સતત લીંબુ આવતા રહે છે, જેથી મારાં મિત્રના પપ્પા આસપાસમાં કે સંબંધીઓને તો લીંબુ આપતા જ રહે છે પણ ઘરની બહાર ઝાડ હોવાના કારણે ત્યાથી પસાર થતી કોઈ પણ વ્યક્તિ લીંબુ તોડીને લઈ જતી હતી, આ વાતનો કોઈને વાંધો પણ ન હતો પણ હવે જ્યારે લીંબુના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રના પપ્પાએ પોતાના પુત્રોને પણ ગણતરીના જ લીંબુ આપવાના શરૂ કરી દીધા છે જેથી લીંબુનો બગાડ નહીં થયા. એટલું જ નહીં લીંબુના ઝાડની આસપાસ કાંટાની વાડ પણ કરી દીધી છે અને તેમ છતાં કોઈ તોડીને તો નથી લઈ જતું ને, તેનું ધ્યાન પણ રાખે છે.

ગર્લફ્રેન્ડને આપ્યા ગિફ્ટમાં લીંબુ : ડેનિશ જોશી

અડાજણ વિસ્તારમાં રહેતા ડેનિશ જોશી કહે છે કે, હું અવાર નવાર મારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપતો હોઉ છુ અને દર વખતે તેને કઈક સરપ્રાઈઝ લાગે એવી જ ગિફ્ટ આપવાનું મને ગમે છે, કારણ કે જ્યારે પણ તે મારી ગિફ્ટ ખોલીને જુએ ત્યારે તેના ચહેરા પરની આશ્ચર્યમિશ્રિત સ્માઇલ જોવાનું મને બહુ ગમે છે ત્યારે આ વખતે હું વિચારતો જ હતો કે એને કોઈ અલગ ગિફ્ટ આપું જે થોડી હટકે પણ હોય અને જેને જોઈને તે ખુશ પણ થાય. આ દરમિયાન અમે બહાર ફરવા માટે ગયા અને આવી કાળઝાળ ગરમીમાં તરસના કારણે લીંબુપાણી પીવાનું મન થયું પણ ક્યાય લીંબુપાણી દેખાયું નહીં જેથી અમે શેરડીનો રસ પી ને કામ ચલાવ્યું. જો કે આ સાથે જ મારાં મનમાં ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં લીંબુ આપવાનો વિચાર ઝબક્યો અને મેં જ્યારે તેને 1 કિલો લીંબુ ગિફ્ટમાં આપ્યા ત્યારે તે જોરદાર હસી પડી અને કહ્યું કે આ ગિફ્ટ કાયમ માટે યાદ રહેશે.’

Most Popular

To Top