Business

બોરસદ – ઉમરેઠના ખાદ્ય પદાર્થો મીસ બ્રાન્ડેડ થતા દંડ ફટકાર્યાે

આણંદ તા.23
આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન દ્વારા બોરસદ અને ઉમરેઠની પેઢી પરથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યાં હતાં. જેમાં બોરસદથી તેજા હોટ મરચુ પાવડર અને ઉમરેઠમાં લો ફેટ પનીરના નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ બન્ને નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવતાં બન્ને પેઢીને રૂ.દસ- દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા બોરસદ તાલુકાના જનતા બજાર ખાતે જુગલભાઇ લેખરાજ શાહ પાસેથી સાક્ષીની રૂબરૂમાં મહેશ્વરી કિરાણા સ્ટોર્સથી ‘તેજા હોટ મરચું પાવડર’ (20 કિલોગ્રામ પ્લાસ્ટીક બેગ પેકીંગ)ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટ, ભુજને મોકલવામાં આવ્યો હતો. જે મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે. આમ, મીસ બ્રાન્ડેડ ખાદ્યચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ બોરસદ તાલુકાના જનતા બજાર ખાતે આવેલ મહેશ્વરી કિરાણા સ્ટોર્સના માલિક અશોકભાઇ લેખરાજ શાહને રૂ.10,000/- નો દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઉમરેઠ તાલુકાના પંચવટી બજાર ખાતે મહાકાળી ડેરીથી પ્રણવ પટેલ પાસેથી સાક્ષીની રૂબરૂમાં ‘લો ફેટ પનીર’ (છૂટક)ની ખરીદી કરી જથ્થાના નમૂનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટ, ભૂજને મોકલવામાં આવ્યો હતો, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આમ, સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ ઉમરેઠ તાલુકાના પંચવટી બજાર ખાતે આવેલ મહાકાળી ડેરીના માલિક પ્રણવ પટેલને રૂ.10,000/- નો દંડ કરવામાં આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીના પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

Most Popular

To Top