National

જિગ્નેશ મેવાણીને ગુજરાતમાં કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

JNU ના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ તેમજ ડાબેરી આગેવાન કન્હૈયા કુમાર (Kanhya kumar) તેમજ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી (Gujarat MLA Jignesh Mevani) આવતા અઠવાડિયે 28મી સપ્ટેમ્બર ભગતસિંંહ જ્યંતિના દિવસે કોંગ્રેસમાં (Congress) જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. તાજેતરમાં બંને નેતાઓએ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી ત્યાર બાદ બંનેના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી છે. કન્હૈયા કુમારને બિહાર અને જિગ્નેશ મેવાણીને ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે.

ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી (CPI) ના નેતા કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીનો કોંગ્રેસમાં સામેલ થવાનો કાર્યક્રમ 2 ઓક્ટોબર ગાંધીજ્યંતિના રોજ યોજાવાનો હતો પરંતુ હવે 28 સપ્ટેમ્બરે ભગતસિંહ જ્યંતિના રોજ જ બંને કોંગ્રેસમાં જોડાય તેવી વાતો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જિગ્નેશ મેવાણીને જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

આ અગાઉ કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીએ ચૂંટણીની રણનીતિ ઘડવા માટે જાણીતા પ્રશાંત કિશોર (Prashant Kishor) સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસ પ્રશાંત કિશોરની મદદ લે તેવી વાતો ચાલી રહી છે. એવું કહેવાય છે કે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને એવી સલાહ આપી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હવે જનમાનસ પર કોઈ અસર રહી નથી. યુવાનોને તક આપવી જોઈએ. આ સાથે જ જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારના નામ પણ પ્રશાંત કિશોરે જ રાહુલ ગાંધીને સૂચવ્યા હોવાનું કહેવાય છે.

પ્રશાંત કિશોરનું માનવું છે કે, કન્હૈયા કુમારનો ભાષણ કરવાનો અંદાજ મતદારોને પસંદ પડી શકે છે. જોકે, આ અટકળો પર બિહાર કોંગ્રેસના કોઈ નેતા કશું બોલવા તૈયાર નથી. કેટલાંકને લાગે છે કે કન્હૈયાની એન્ટ્રીથી તેમનું કદ ઘટી જશે. હાલમાં કન્હૈયા કુમાર સીપીઆઈમાં છે. કન્હૈયા કુમારે કરેલી મારામારી સામે પાર્ટીમાં તેમના વિરોધમાં પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો.

ભાજપના નેતાને હરાવી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા હતા

વકીલ, એક્ટિવિસ્ટ અને પૂર્વ જર્નાલિસટ જિગ્નેશ મેવાણી એક દલિત નેતા છે. મેવાણી ગુજરાતના વડગામ વિધાનસભામાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે ૨૦૧૬માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.

Most Popular

To Top